Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ‘Sir I am still alive!’ Declared dead on paper by a living trustee for the cushion of the trust

‘સાહેબ હું હજી જીવિત છું!’ ટ્રસ્ટની ગાદી માટે જીવતા ટ્રસ્ટીને કાગળ પર મૃત જાહેર કર્યા

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
‘સાહેબ હું હજી જીવિત છું!’ ટ્રસ્ટની ગાદી માટે જીવતા ટ્રસ્ટીને કાગળ પર મૃત જાહેર કર્યા
સોર્સ : gstv

ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પ્રાચીન બળિયાદેવ મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ બનવા માટે જીવિત ટ્રસ્ટીને કાગળ પર મૃત જાહેર કરીને ટ્રસ્ટમાંથી તેનું નામ કમી કરાવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

App Store

નોટરી કરેલા સોગંદનામામાં જીવિત વ્યક્તિને મૃત બતાવ્યાનો આક્ષેપ

મળતી વિગતો મુજબ, બળિયાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનવા માટે નવીનચંદ્ર ડાહ્યાભાઈ રાણાએ પોતાના માણસોને ટ્રસ્ટી બનાવવા માટે જીવિત ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણભાઈ માસ્તરને નોટરી કરેલા સોગંદનામામાં મૃત જાહેર કર્યા હોવાનો આક્ષેપ છે. આ દસ્તાવેજોના આધારે ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ અશ્વિનભાઈનું નામ ટ્રસ્ટમાંથી કમી કરાવવામાં આવ્યું હતું.

આ જ દસ્તાવેજોના આધારે નવા ટ્રસ્ટીઓની નિમણૂકનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. જોકે, રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં આ હુકમ સામે સુરત ચેરિટી કમિશનર સમક્ષ અપીલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

નોટિસ મળતાં ટ્રસ્ટી રૂબરૂ કચેરીએ પહોંચ્યા

સુરત ચેરિટી કમિશનર કચેરી તરફથી નોટિસ મળ્યા બાદ અશ્વિનભાઈ રૂબરૂ કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, “સાહેબ, હું હજી જીવિત છું!” તેમણે પોતાના જીવિત હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા. જીવિત વ્યક્તિને કાગળ પર મૃત દર્શાવવાના મામલાની જાણ થતાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

આ પછી સુરત ચેરિટી કમિશનરે ભરૂચ ચેરિટી કમિશનરના હુકમ પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ અશ્વિનભાઈએ પોતાના જીવિત હોવાના પુરાવા સાથે ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નવીન રાણા સામે ફરિયાદ, પોલીસની તપાસ શરૂ

ફરિયાદના આધારે પોલીસે નવીન રાણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર દસ્તાવેજી પ્રક્રિયા દરમિયાન નોટરી, વકીલ અથવા અન્ય કોઈ અધિકારીની સંડોવણી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય કોઈની ભૂમિકા સામે આવશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું છે.

નોટરી એડવોકેટ ચિરાગ પરમારનું નામ પણ સામે આવ્યું

આ કેસમાં નોટરી એડવોકેટ ચિરાગ પરમારનું નામ પણ સામે આવ્યું છે. અગાઉ વાગરા પંથકમાં કરોડો રૂપિયાના મીઠાના અગરના નકલી દસ્તાવેજોના કેસમાં તેની ધરપકડ થઈ હોવાની માહિતી સામે આવી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આ કેસમાં પણ જીવિત વ્યક્તિને મૃત દર્શાવતા સોગંદનામા પર નોટરી કરી આપ્યાનો આરોપ છે.

હવે પોલીસની તપાસ આગળ વધે તેમ સમગ્ર મામલામાં ખોટા દસ્તાવેજો કોણે તૈયાર કર્યા, તેની પાછળનો હેતુ શું હતો અને અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.