સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી બેદરકારી: તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા બાપ-દીકરીનાં કરૂણ મોત

Surat Bullet Train Accident: દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ સુરતના કઠોર પાસે તાપી નદીમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન ઉપરથી લોખંડની વિશાળ પ્લેટ નીચે પસાર થતી એક બોટ પર પડતા માછીમાર પિતા અને તેમની માસૂમ પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ, કઠોરના બદાત ફળિયામાં રહેતા 35 વર્ષીય મોહસીન ઈકબાલ શેખ વ્યવસાયે માછીમાર હતા. આજે તેઓ પોતાની 9 વર્ષની પુત્રી હુમા સાથે તાપી નદીમાં બોટ મારફતે જઈ રહ્યા હતા. આ દરમિયાન બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને અચાનક ઉપરથી લોખંડની પ્લેટ બોટ પર પડી હતી. પ્લેટ એટલી ભારે હતી કે પિતા-પુત્રીને સંભળવાનો મોકો પણ ન મળ્યો અને બંનેનાં સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા.
તંત્ર દોડતું થયું
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક માછીમાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન સુરક્ષાના કડક નિયમોનું પાલન થયું હતું કે કેમ, તે અંગે હવે તપાસના ચક્રો ગતિમાન થયા છે.
મૃતકોના નામ: 1. મોહસીન ઈકબાલ શેખ (ઉંમર 35 વર્ષ) 2. હુમા મોહસીન શેખ (ઉંમર 09 વર્ષ)

