Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : indigenous games like Gilli-Danda, Kho-Kho and Kabaddi were played in summer camp

Suratની શાળાઓનો નૂતન અભિગમ: સમર કેમ્પમાં મોબાઈલ-વીડિયો ગેમ્સને બદલે ગિલ્લી-દંડા, ખો-ખો અને કબડ્ડી જેવી દેશી રમતો રમાડાઈ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
Suratની શાળાઓનો નૂતન અભિગમ: સમર કેમ્પમાં મોબાઈલ-વીડિયો ગેમ્સને બદલે ગિલ્લી-દંડા, ખો-ખો અને કબડ્ડી જેવી દેશી રમતો રમાડાઈ
સોર્સ : GSTV

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ, વીડિયો ગેમ્સ અને ટીવી સ્ક્રીન સુધી મર્યાદિત થઈ રહ્યા છે, ત્યારે સુરતની શાળાઓએ પરંપરાગત દેશી રમતોને ફરી જીવંત કરવાનો નિર્ધાર કર્યો છે. શહેરના અનેક સ્કૂલોના સમર કેમ્પમાં બાળકોને ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી ગામઠી રમતો સાથે જોડવાનો નૂતન અભિગમ અપનાવવામાં આવ્યો છે.

App Store

શારીરિક અને માનસિક વિકાસ પર ભાર

લાંબા સમયથી મોબાઈલ અને ટીવી સુધી મર્યાદિત થતા બાળકો માટે જૂની રમતો નવી ઊર્જા લઈને આવી છે. મેદાનમાં દોડવું, ટીમ બનાવીને વ્યૂહરચના કરવી અને જોશપૂર્વક સ્પર્ધા કરવી બાળકોને ખુબ ગમે છે. ખાનગી સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર રમાબહેન ખાતરે આ પહેલ વિશે જણાવ્યું હતું કે, 'આજના ડિજિટલ યુગમાં જૂની રમતો ક્યાંક ખોવાઈ ગઈ છે. ખો-ખો અને કબડ્ડી જેવી રમતો બાળકોની ચપળતા, સહનશક્તિ, એકાગ્રતા અને ટીમ સ્પિરિટ મજબૂત બનાવે છે. જ્યારે ગિલ્લી-ડંડા જેવી રમતો આંખ અને હાથના તાલમેલને સુધારે છે. આ રમતો માટે મોંઘા સાધનોની જરૂર પડતી નથી, તેથી દરેક વર્ગના બાળકો સરળતાથી તેમાં ભાગ લઈ શકે છે. બાળકોને માત્ર અભ્યાસ અને ડિજિટલ સાધનો સુધી મર્યાદિત રાખવું યોગ્ય નથી. રમતો દ્વારા તેમના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે. આ વિચાર સાથે સમર કેમ્પમાં દેશી રમતોને સ્થાન આપવામાં આવ્યું છે, જેથી નવી પેઢી પોતાની સંસ્કૃતિ સાથે પણ જોડાય છે.'

મોબાઈલ ગેમ્સ કરતા મેદાનનો રોમાંચ વધુ

સમર કેમ્પમાં જોડાયેલા બાળકોમાં આ દેશી રમતો પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોનું કહેવું છે કે મોબાઈલ ગેમની સરખામણીએ મેદાનમાં મિત્રો સાથે દોડવું, બચવું અને જીતવાની વ્યૂહરચના બનાવવી વધુ આનંદદાયક છે. અનેક બાળકો માટે ગિલ્લી-ડંડા જેવી રમતો તદ્દન નવી અને રસપ્રદ સાબિત થઈ રહી છે.

વાલીઓએ નિર્ણયને બિરદાવ્યો

બાળકોના માતા-પિતા પણ સ્કૂલોના આ નિર્ણયથી ખુશ જણાતા હતા. વેકેશન દરમિયાન બાળકો મોટાભાગનો સમય મોબાઈલ પર વિતાવી સ્વાસ્થ્ય બગાડતા હોય છે, ત્યારે આ પ્રકારના કેમ્પથી બાળકો વધુ સક્રિય અને અનુશાસિત બનશે તેવી આશા વાલીઓએ વ્યક્ત કરી છે.

સુરતની શાળાઓની આ પહેલ દર્શાવે છે કે આધુનિકતાના સમયમાં પણ પરંપરાગત ભારતીય રમતોનું મહત્વ અકબંધ છે. આવી પ્રવૃત્તિઓથી નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાવાની ઉત્તમ તક મળી રહી છે.