સુરતમાં પતિએ દિકરીઓની સામે પત્નીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી

સુરતમાં રોજબરોજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. રાત્રે સુતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પાથી ગળું કાપી હત્યા કરવામાં આવી છે. રૂમમાં બે દીકરીઓની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને મૃત જાહેર કરાઈ હતી.
આ પણ વાંચો : BZ કૌભાંડ: પાપોનું પ્રાયશ્ચિત કરવા બગલામુખીના દર્શને ગયો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા
મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દીયર, દેરાણી પતિ, ત્રણ વર્ષ અને આઠ વર્ષની બે દીકરી છે. જયસુખભાઈ ક્યારેક ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોલી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.
રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા હતા. રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ જયસુખભાઈ ચપ્પા વડે નમ્રતાબેનનુ ગળું કાપી નાખ્યું હતું. જેના પગલે રૂમ લોહી લુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહી લુહાણ જોતા બુમાબુમ કરી હતી.
આ પણ વાંચો : બોટાદ: ઓઈલ મિલમાલિકના અપહરણમાં મોટો ખુલાસો, ફરાર આરોપીઓની ગાડીમાં હતો ભાજપનો ઝંડો
દીકરીએ દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે તાત્કાલિક ઘોડાદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ તો નમ્રતા બેનના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ નમ્રતાબેનના પિયરના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે અને તે સુરત આવી રહ્યા છે.
નમ્રતાબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા પણ મોટાભાગે કામ પર ન જતા હતા. ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા અને દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. એકવાર નમ્રતાબેન પિયર પણ આવી ગયા હતા ત્યારબાદ સમાધાન બાદ પરત ગયા હતા. પતિ કમાતો ન હોવાથી નમ્રતાબેન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા.
આ પણ વાંચો : VIDEO: ભુજમાં હીટ એન્ડ રન: કારચાલકે બાઈક પર સવાર ત્રણને અડફેટે લીધા, 2ના મોત
નમ્રતા બેનને ગઈકાલે સાંજે જયસુખભાઈ બાજુમાં કામ કરતા હતા ત્યાંથી લેવા ગયા હતા. ત્યારબાદ બધા સાથે જમ્યા હતા અને સુવા ગયા બાદ બંને વચ્ચે શું ઝઘડો થયો તે અંગે કોઈ જાણ નથી. જોકે જયસુખભાઈએ દારૂના નશામાં આ હત્યા કરી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

