સુરતમાં પ્રથમવાર દિવ્યાંગોના ક્ષેત્રમાં કામ કરનારના સન્માન, ગાર્ડિયન એન્જલથી કરાશે પ્રોત્સાહિત

સુરતમાં પ્રથમવાર વિશેલવિન ફાઉન્ડેશનએ ગર્વથી પાંચમાં વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ૨ માર્ચના રોજ વિશેષ જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રમાં 80થી વધુ વ્યક્તિઓના અસાધારણ સમર્પણ અને કરુણાને ઓળખી સન્માનિત કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓના નિઃસ્વાર્થ યોગદાનને બિરદાવવામાં આવશે.
અધિકારી-પદાધિકારી રહેશે હાજર
વિશેષ જરૂરિયાત ક્ષેત્રની કરોડરજ્જુ એવા વ્યાવસાયિકો અને સમર્થક તરીકે ડોકટરો, મનોચિકિત્સકો, ન્યુરોલોજીસ્ટ, થેરાપિસ્ટ, વિશેષ શિક્ષકો, સમાવિષ્ટ શિક્ષણ અને વ્યવસાયોના હિમાયતીઓ, રોલ મોડેલ્સ, સશક્તિકરણ અને સમાવેશ એમ્બેસેડર, અનસંગ હીરો અને લાઇફટાઇમ અચીવર વગેરેનો સમાવેશ થાય છે. તેમના અથાક પ્રયાસો વિશેષ જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર લાવવા તેમજ એક સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ગાર્ડિયન એન્જલ સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર દક્ષેશ મેવાણી, DCP વિજય સિંહ ગુર્જર તેમજ સમાજ સુરક્ષા અધિકારી એલ. બી. પટેલ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે.
વિશેષ પ્રતિભાનું સન્માન
વિશેલવિન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પુનમ જી કૌશિકે કહ્યું કે - "વિશેલવિન ફાઉન્ડેશનનું લક્ષ્ય આ નિઃસ્વાર્થ વ્યક્તિઓનું સન્માન કરવાનું છે જેઓ ખાસ જરૂરિયાતો ક્ષેત્ર માટે કામ કરે છે, તેઓ પોતાનું જીવન આ બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત કરે છે. આ ક્ષેત્ર પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે અને તેથી આવા એવોર્ડ સમારંભ દ્વારા અમે સમાજ સાથે શક્તિ, હિંમત, સમર્પણ અને નિઃસ્વાર્થ અભિગમના આ ઉદાહરણઓ શેર કરવાનો અને ખાસ જરૂરિયાતો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ." આ સમારંભમાં લાઈફ ટાઈમ અચીવર, એમ્બેસેડર, તથા વિશેષ ડોક્ટર પ્રતિભા, શાળાઓ, યુનિવર્સિટીના પ્રોફેસર સહિતની વિશેષ પ્રતિભા સ્વરૂપ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એવોર્ડ વિજેતાઓને ટ્રોફિ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

