Suratમાં એક કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત, પોલીસે ત્રણ શખ્સોની કરી ધરપકડ

સુરતમાં એસઓજીએ એમ્બરગ્રીસના ગેરકાયદે વેપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 1.07 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1.07 કરોડ રૂપિયા થાય છે.
આરોપીઓ વ્હેલની ઊલટી ઊંચા ભાવે વેચવાના હતા
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ આ એમ્બરગ્રીસ કાવી કંબોઈ વિસ્તારમાં એક માછીમાર પાસેથી લાવી સુરતના માર્કેટમાં ઊંચા ભાવે વેચવાના ઇરાદે હતા. મહત્વનું છે કે એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતો પદાર્થ છે, જેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે. પોલીસે આરોપીઓ અને મુદ્દામાલને ગુજરાત વનવિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એમ્બરગ્રીસની ખાસિયતો
એમ્બરગ્રીસ વર્ષો સુધી સમુદ્રના પાણીમાં તરતું રહેવાને કારણે અને સૂર્યપ્રકાશના સંપર્કથી તે મીઠી અને માટી જેવી સુગંધ ધારણ કરે છે. તે સામાન્ય રીતે ભૂખરા, કાળા કે આછા પીળા રંગના પથ્થર જેવું દેખાય છે. આ પદાર્થ અત્યંત દુર્લભ હોવાથી તેની કિંમત કરોડોમાં હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત સોના જેટલી અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવામાં થાય છે. તે સુગંધને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે વપરાય છે.

