VIDEO: Surat / બસમાં નજીવી બાબતે 2 મહિલાઓ બાખડી, ભારે હંગામાથી વાતાવરણ તંગ બન્યું
સુરતમાં સિટીલીંક બસમાં અવાર-નવાર વિવાદો સામે આવતા હોય છે, ત્યારે ભાઠેના વિસ્તારમાં બસ નંબર 104માં હંગામો જોવા મળ્યો હતો. માત્ર સીટ પર બેસવા જેવી નજીવી બાબતે બે મહિલા મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બસમાં થોડીવાર માટે તંગદિલી સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, ભાઠેના રૂટ પર દોડતી સિટીલીંક બસ નંબર 104માં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ વચ્ચે સીટ ખાલી થતા બેસવા મુદ્દે તકરાર શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં વરવા સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો. બંને મહિલાઓએ જાહેર બસમાં એકબીજા પર આક્ષેપો કરી જોરશોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું.
બસમાં અચાનક સર્જાયેલા આ હંગામાને કારણે અન્ય મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. મહિલાઓ વચ્ચેની આ લડાઈ એટલી હદે વધી ગઈ હતી કે બસમાં થોડીવાર માટે અત્યંત તંગ માહોલ સર્જાયો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા બસમાં હાજર અન્ય જાગૃત મુસાફરોએ મધ્યસ્થી કરી હતી. મુસાફરોએ બંને મહિલાઓને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

