Video: ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણીની અટકળો તેજ, PM મોદીની વારંવારની મુલાકાતોથી રાજકીય ગરમાવો

ગુજરાતના રાજકારણમાં વહેલી વિધાનસભા ચૂંટણીની અટકળોએ ગરમાવો પકડી લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટૂંકા ગાળામાં વારંવાર થતી ગુજરાત મુલાકાતોને પગલે ડિસેમ્બર 2027 પહેલાં ચૂંટણી યોજવાની રણનીતિ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. નબળા ચોમાસાને કારણે આગામી ઉનાળામાં દુષ્કાળ, પાણી અને ઘાસચારાની તંગી સર્જાવાની આશંકા વચ્ચે વહેલી ચૂંટણી યોજવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. બીજી તરફ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, ભ્રષ્ટાચાર અને નબળાં બાંધકામો સહિતના મુદ્દે સરકાર સામે લોકોમાં નારાજગી હોવાના દાવા થઈ રહ્યા છે. ભાજપમાં એન્ટિ-ઇન્કમ્બન્સીનો ડર અને આંતરિક સર્વેને લઈને પણ રાજકીય ચર્ચાઓ તેજ બની છે. વિપક્ષી નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે રાજ્યની જનતા અને ખેડૂતોને સરકારી સહાયની જરૂર છે ત્યારે તંત્ર લોકાર્પણો અને ચૂંટણી મોડમાં વ્યસ્ત છે, જોકે ભાજપના આંતરિક વર્તુળો આ મુલાકાતોને વિકાસ કાર્યોની ગતિ અને સંગઠન મજબૂત કરવાની નિયમિત પ્રક્રિયા ગણાવી રહ્યા છે.







