VIDEO: રાજકોટના સરધાર ગામમાં બિસ્માર રસ્તાને લઈ ગ્રામજનો અને કોંગ્રેસનું ચક્કાજામ
VIDEO: રાજકોટ જિલ્લામાં આવેલા સરધાર ગામમાં ચોમાસાની સિઝનમાં વરસાદને લીધે ખરાબ રોડ-રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠી આખરે ગ્રામજનો અને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ ઠાલવ્યો હતો. આ વિરોધમાં કોંગ્રેસ તેમજ ભાજપના આગેવાનો સામસામે આવી ગયા હતા. ચક્કાજામ દરમ્યાન પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજકોટ જિલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન સારો એવો વરસાદ વરસ્યો છે. જેને લઈ જિલ્લાના ગામડાઓમાં બિસ્માર રોડ-રસ્તા થયા હતા. રાજકોટથી આટકોટ સુધી રોડ ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે. રોડ-રસ્તાને લઈને ફરી રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સરધાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા-રોડથી કંટાળેલા લોકો ત્રાસીને તંત્ર સામે વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધમાં કોંગ્રેસ પણ સામેલ થયું હતું. સરધારના ગ્રામજનો મોટી સંખ્યામાં ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસના આગેવાન નિશિત ખૂંટ અને ભાજપના આગેવાન ચેતન પણ સામે સામે આવ્યા હતા.
જેથી રોડ-રસ્તાને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર બોલાચાલી જોવા મળી. આ દરમ્યાન ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ગયા હતા. જેથી કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમ્યાન કોંગ્રેસના અગ્રણીઓએ ચીમકી ઉચારી દસ દિવસમાં રોડનું કામ નહીં થાય તો ભાનુબેન અને પરસોતમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. ભાજપના અગ્રણી ચેતન પાણે કહ્યું વરસાદના કારણે રોડ રસ્તાનું કામ થઈ શક્યું નથી. રાજકોટ થી સરધારની હદ સુધી 27 કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર થયું છે.

