VIDEO: 7 વર્ષ બાદ ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીની કલાકારો દ્વારા ભવ્ય સ્વાગત
PM Modi China Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાની બે દિવસની જાપાન યાત્રા પૂર્ણ કરી ટોક્યોથી ચીનના તિઆનજિન શહેર પહોંચ્યા હતા. પીએમ મોદીનું ચીની કલાકારો દ્વારા સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં સામેલ થવાના છે. આ સંમેલનમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત પણ કરશે.
આ અગાઉ પીએમ મોદીએ જાપાનની રાજધાની ટોકયોમાં પોતાની સમકક્ષ શિગેરુ ઈશિબા સાથે ભારત-જાપાન શિખર વાર્તામાં હાજર રહ્યા હતા. જેનો હેતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈઓ પર પહોંચાડવાનો હતો. આ દરમ્યાન તેઓએ 4 ફેકટરીઓની મુલાકાત લીધી હતી. જેમાં એકમાં E10 શિંકાનેસન બુલેટ ટ્રેનનો પ્રોટોટાઈપ બનાવવામાં આવી રહ્યો છે. ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર આ ટ્રેન સેટથી ચાલવાની શક્યતા છે.
PM મોદીનું રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર સાંજે પોતાનો જાપાન પ્રવાસ સમાપ્ત કર્યા બાદ ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સમ્મેલનમાં સામેલ થવા માટે તિયાનજિન પહોંચ્યા છે.
SCO સમિટમાં વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યુ, 'ચીનના તિઆનજિન પહોંચી ગયો છું. SCO શિખર સમ્મેલનમાં વિચાર-વિમર્શ અને વિવિધ વિશ્વના નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક છું.'

