Narmada news : દેડિયાપાડાની કરજણ નદીમાં બે બાળકો ડૂબ્યા, મૃતદેહ મળી આવ્યાં, પરિવારમાં શોકનો માહોલ

Narmada news: ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે, ત્યારે નર્મદાના દેડિયાપાડાની કરજણ નદીના પાણીના પ્રવાહમાં બે બાળક ડૂબ્યા હતા. બાળકો ડૂબવાની દુર્ઘટનામાં બંને બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નદીમાં ડૂબાયેલાં બે બાળકોનાં મૃતદેહ મળ્યાં
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગોપાલિયા ગૃપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉં.વ. 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉં.વ. 12) નામના બે બાળકો 29 ઓગસ્ટના રોજ સ્કૂલમાંથી છૂટ્યાં બાદ કરજણ નદી તરફથી ખેતરે જઈ રહ્યા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતાં બંને બાળકો તણાયા હતા.
બાળકો ડૂબ્યા હોવાની સ્થાનિકોને જાણ થતાંની સાથે બંને બાળકોને શોધખોળ શરૂ કરી હતી અને સમગ્ર ઘટના મામલે દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
જ્યારે આજે શનિવારે (30 ઓગસ્ટ)ના રોજ બંને બાળકોના મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોક છવાયો હતો. સમગ્ર ઘટના મામલે સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.

