VIDEO: રાજકોટ ચૂંટણી જંગ! "ભાજપે અમને બદનામ કરવા ષડયંત્ર રચ્યું", વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવાર દેવુબેન જાદવનો વળતો પ્રહાર
VIDEO: રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 6માં પક્ષપલટા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલા અને વોર્ડ નંબર 6ના ઉમેદવાર દેવુબેન જાદવે ભાજપ પર ગંભીર આક્ષેપો કરી રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે.
શું છે સમગ્ર વિવાદ?
દેવુબેન જાદવ વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર છે. નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે ભાજપ દ્વારા તેમના પર આવાસ કૌભાંડ માં સંડોવણી હોવાના આક્ષેપ સાથે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તેમણે કેસરીયો છોડી 'પંજો' પકડ્યો હતો અને હવે તેઓ કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.
દેવુબેન જાદવના આકરા પ્રહારો
આજે મીડિયા સાથેની વાતચીતમાં દેવુબેન જાદવે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "અમારી પર કરવામાં આવેલા તમામ આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અમે એક નાના સમાજમાંથી આવીએ છીએ અને રાજકારણમાં પ્રગતિ કરી રહ્યા હતા, જે ભાજપને ખટકતું હતું. તેથી જ અમારી સામે જાણીજોઈને ષડયંત્ર રચીને અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."
વિજયનો વિશ્વાસ
પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત દેવુબેને વધુમાં દાવો કર્યો હતો કે વોર્ડ નંબર 6ની જનતા સત્ય જાણે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે વોર્ડ નંબર ૬ માં કોંગ્રેસની આખી પેનલ એટલે કે ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થશે. ભાજપના આક્ષેપોની અસર જનતાના મત પર નહીં પડે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

