VIDEO: સૌરાષ્ટ્રના ખેડૂતો પર કુદરત રૂઠી, સરવે નહીં સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે: કોગ્રેસ
VIDEO: ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂર્ણ થયાને હજી સપ્તાહ પણ પસાર નથી થયું ત્યાં કમોસમી વરસાદ શરૂ થઈ ચુક્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ડાંગર, મગફળી સહિતના પાકોની લણણી કરવાની તૈયારીમાં માવઠાએ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે. સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થતા કોંગ્રેસે રાજ્ય સરકારને ખેતી નુકસાન અંગે સરવે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાની નોબત આવી છે. કોંગ્રેસના નેતા લલિત કગથરાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ખેડૂત ઉપર કુદરત રૂઠી છે કે શું ચાલી રહ્યું છે એ ખબર નથી પડતી. આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં દિવાળી બાદ મગફળી ખેતરોમાંથી નીકળી ગઈ હોઈ ત્યારે વરસાદ આવે અને પાGaથરા જે તણાઈ રહ્યા છે તે મગફળી નહીં ખેડૂતનો જીવ તણાઈ રહ્યો છે. જેથી આજે સરવે નહીં પરંતુ તાત્કાલિક સહાયની જરૂર છે. ગુજરાતના નવા કૃષિ મંત્રી જે ભાવનગરના છે તેને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કે ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવો. આજે મગફળી ખેતરમાંથી વરસાદી પાણીમાં તણાઈ છે. કપાસ વીણવાની તૈયારી હતી, ત્યારે આજે ખેડૂતોને તાત્કાલિક સહાયની જરૂર છે.

