VIDEO: Rajkotમાં દૂષિત પાણી મુદ્દે જનતાનો આક્રોશ; મહિલાઓએ થાળી વગાડી 150 ફૂટ રિંગરોડ પર કર્યો ચક્કાજામ
રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રાજકારણ ગરમાયું છે. શહેરના વોર્ડ નંબર 12માં દૂષિત પાણી અને અપૂરતા પાણી પુરવઠાના વિરોધમાં સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ થાળીઓ વગાડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને 150 ફૂટ રિંગરોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.
વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા માત્ર 20 મિનિટ જ પાણી આપવામાં આવે છે. વધુમાં, વિસ્તારના બોરિંગના પાણીમાં ભૂગર્ભ ગટર અને કારખાનાના કેમિકલયુક્ત પાણી ભળી ગયા છે. હાલમાં જે પાણી આવી રહ્યું છે તેમાં ફીણ વળે છે અને અસહ્ય દુર્ગંધ આવે છે. આ દૂષિત પાણી પીવાથી પરિવારના સભ્યો અને બાળકો બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ સાથે રહીશોએ રિંગરોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
બીજી તરફ, આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રદીપ ડવએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની મુખ્ય ભૂગર્ભ લાઈનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ સોસાયટીની આંતરિક ભૂગર્ભ કુંડીઓની સફાઈ કરવામાં આવી નથી જેને કારણે પ્રશ્ન સર્જાયો હોઈ શકે. તેમણે આ વિરોધને રાજકીય રંગ આપતા કહ્યું કે, "ચૂંટણી નજીક આવી રહી છે એટલે કોંગ્રેસના મિત્રો તાત્કાલિક લોકોની વ્હારે પહોંચી ગયા છે અને આ માત્ર ચૂંટણી લક્ષી વિરોધ છે."

