Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Major Change in Cyber Fraud Case, Now Zero E-FIR Mandatory; Complaint to be Filed on Call to 1930

સાયબર ફ્રોડના કેસમાં મોટો ફેરફાર, હવે ઝીરો ઈ-એફઆઈઆર ફરજિયાત; 1930 પર કોલ કરતાં જ ફરિયાદ નોંધાશે

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સાયબર ફ્રોડના કેસમાં મોટો ફેરફાર, હવે ઝીરો ઈ-એફઆઈઆર ફરજિયાત; 1930 પર કોલ કરતાં જ ફરિયાદ નોંધાશે
સોર્સ : gstv

રાજકોટ: સાયબર ફ્રોડ (Cyber Fraud)ના વધતા કિસ્સાઓ વચ્ચે પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સાયબર ફ્રોડની ફરિયાદોમાં ઝીરો ઈ-એફઆઈઆર (Zero E-FIR) ફરજિયાત બનાવવામાં આવી છે. ભોગ બનનાર વ્યક્તિ 1930 હેલ્પલાઈન નંબર પર કોલ કરશે એટલે તેની ઈ-એફઆઈઆર જનરેટ થઈને સંબંધિત પોલીસ મથક સુધી પહોંચી જશે. ત્યારબાદ ભોગ બનનાર ઇચ્છે તો પોલીસ મથકે જઈ ફિઝિકલ એફઆઈઆર નોંધાવી શકશે.

App Store

જો ભોગ બનનાર વ્યક્તિ ફિઝિકલ એફઆઈઆર નોંધાવવા ન માંગતી હોય તો પણ ઈ-એફઆઈઆરના આધારે પોલીસ તપાસ ચાલુ રાખી શકશે. આ નિર્ણયથી સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ માટે વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી રાહત મળી શકે છે.

પહેલાં માત્ર વાહન અને મોબાઈલ ચોરી માટે ઈ-ફરિયાદ

રાજ્યમાં અત્યાર સુધી વાહન અને મોબાઈલ ચોરીના કેસોમાં ઈ-એફઆઈઆર (E-FIR)ની સુવિધા ઉપલબ્ધ હતી. ફરિયાદી પોતાના ઘરે બેઠા જ વાહન અથવા મોબાઈલ ચોરી અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકતા હતા. હવે સાયબર ફ્રોડના કેસોને પણ આ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે.

ડીજીપી (DGP)ના આદેશથી 1 સપ્ટેમ્બરથી સાયબર ફ્રોડમાં ઝીરો ઈ-એફઆઈઆર ફરજિયાત કરવામાં આવી છે. શરૂઆતમાં રૂપિયા એક લાખ સુધીના સાયબર ફ્રોડના કેસમાં આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ આ મર્યાદા ઘટાડીને હવે રૂપિયા 50 હજાર કરવામાં આવી છે.

રાજકોટના ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ઝીરો ઈ-એફઆઈઆરના આધારે પ્રથમ ફિઝિકલ એફઆઈઆર પણ નોંધાઈ ચૂકી છે.

પાંચ લાખ સુધીની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે

જાણકાર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં રૂપિયા પાંચ લાખથી ઓછી રકમના સાયબર ફ્રોડની ફરિયાદ સંબંધિત પોલીસ મથકમાં નોંધાવી શકાય છે. જ્યારે રૂપિયા પાંચ લાખથી વધુ રકમના સાયબર ફ્રોડના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કરવાનો રહેશે.

ફિઝિકલ એફઆઈઆર વગર પણ તપાસ અને રકમ પરત મળવાની શક્યતા

ઝીરો ઈ-એફઆઈઆર નોંધાયા બાદ જો ભોગ બનનાર વ્યક્તિ ફિઝિકલ એફઆઈઆર કરાવવા ન માંગતી હોય તો પણ તેની અરજીના આધારે પોલીસ તપાસ કરી શકે છે. જો છેતરપિંડીથી ગયેલી રકમ બેંક ખાતામાં ફ્રિઝ (Freeze) અથવા બ્લોક કરવામાં આવી હોય તો તે રકમ પરત મેળવવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ માટે દરેક કિસ્સામાં ફિઝિકલ એફઆઈઆર નોંધાવવી ફરજિયાત નથી. નવી વ્યવસ્થાથી સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને ઝડપથી ફરિયાદ નોંધાવવાની અને નાણાં બચાવવાની કાર્યવાહી શરૂ કરવામાં મદદ મળી શકે છે.