Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Important Decision of GPCB: Change in Scope of Rajkot and Surendranagar Regional Offices

GPCBનો મહત્વનો નિર્ણય: રાજકોટ અને સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
GPCBનો મહત્વનો નિર્ણય: રાજકોટ અને સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર
સોર્સ : gstv

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા વધારવા અને ઔદ્યોગિક એકમોને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત બોટાદ જિલ્લા અને બામણબોર ઔદ્યોગિક વિસ્તારની GPCB પ્રાદેશિક કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

App Store

બામણબોર જી.આઈ.ડી.સી. હવે રાજકોટ કચેરી હેઠળ

વહીવટી અને મહેસૂલી સીમાઓમાં સુસંગતતા લાવવા માટે બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુક્ત કરી રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે. અગાઉ સુરેન્દ્રનગર કચેરીનું અંતર 84 કિ.મી. હતું, જે રાજકોટ કચેરી હેઠળ આવવાથી ઘટીને માત્ર 29 કિ.મી. થઈ ગયું છે. અંતરમાં 55 કિ.મી.નો ઘટાડો થતાં અધિકારીઓની સ્થળ મુલાકાત, તપાસ પ્રક્રિયા અને ઈમરજન્સી પ્રતિસાદ વધુ ઝડપી બનશે.

રાજકોટની સજ્જતાનો લાભ ઉદ્યોગોને મળશે

રાજકોટ ખાતે બોર્ડની પોતાની સુસજ્જ પ્રયોગશાળા, વિશાળ અનુભવી સ્ટાફ અને ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી સેમ્પલનું પૃથક્કરણ (Analysis) ત્વરિત થઈ શકશે. આ ઉપરાંત હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક હોવાથી VIP અવરજવર સમયે હવા-ગુણવત્તા અને પર્યાવરણીય દેખરેખ પણ વધુ અસરકારક બનશે.

બોટાદ જિલ્લો હવે સુરેન્દ્રનગર કચેરી હેઠળ સમાવાયો

બીજી તરફ, અમદાવાદ (ગ્રામ્ય) કચેરી હેઠળ સાણંદ GIDC અને ધોલેરા SIRના ઝડપી વિકાસને કારણે વધતા કાર્યભારને હળવો કરવા બોટાદ જિલ્લાને હવે સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી સાથે જોડવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદથી બોટાદનું અંતર 130 કિ.મી. હતું, જે હવે સુરેન્દ્રનગર કચેરી હેઠળ આવતાં ઘટીને માત્ર 70 કિ.મી. રહી ગયું છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મળશે વેગ

આ ફેરફારથી બોટાદ જિલ્લાના 169 ઔદ્યોગિક અને 36 હેલ્થકેર એકમો સહિત સ્થાનિક નાગરિકોને પરવાનગીઓ (CTE/CCA) અને વહીવટી કામગીરી માટે મોટો ફાયદો થશે. સંબંધિત એકમોના ડેટા, ફાઇલો અને XGN પોર્ટલ પર ક્ષેત્રાધિકાર મેપિંગ સરળતાથી તબદીલ કરવામાં આવશે. GPCBના આ નિર્ણયથી પર્યાવરણ સુરક્ષા અને 'ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને મોટો વેગ મળશે.