VIDEO: રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્દેશ
અમદાવાદમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા છે. કોર્ટે ખાસ કરીને રાજકુમાર CCTVમાં નગ્નાવસ્થામાં કેમ ફરતો દેખાયો હતો, તે મુદ્દે વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે આ મુદ્દે તપાસનો રિપોર્ટ મૌન છે. જેના પગલે સરકારે DySP સ્તરના અધિકારી દ્વારા તપાસ કરાવવાની ખાતરી આપી છે. સરકારનું કહેવું છે કે મૃતક અને શકમંદો એકબીજાને ઓળખતા નહોતા અને શકમંદોના ઘરમાં શું બન્યું તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ અરજદારે પૂર્વ MLA જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે ગોંડલમાં તેમની ધાક છે અને મૃતકના મૂળ કપડાં ક્યાં ગયા તેમજ ઇજા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા. હાઇકોર્ટે સમગ્ર તપાસનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હવે કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટે હાથ ધરાશે.

