સ્માર્ટ, મેચ્યોર કે સપોર્ટિવ? આજની 21મી સદીની નારીના સપનાનો રાજકુમાર કેવો હોય છે?

સોર્સ : gstv
આધુનિક સ્ત્રી બોસ તરીકે, પ્રેમી તરીકે, મિત્ર તરીકે અને પતિ તરીકે કેવા પુરુષને પસંદ કરે છે તે જાણવું ખૂબ રસપ્રદ છે
'છેલા જી રે, મારી હાટું પાટણથી પટોળો મોંઘા લાવજો.' આ મોંઘા પટોળાં માટે પુરુષે કેટ
લી મજૂરી કરવી પડશે. તેની ચિંતા સ્ત્રીઓ શા માટે કરે? પુરુષોનો જન્મ કમાવા માટે થયો હોય છે અને સ્ત્રીઓનો ખર્ચવા માટે. કુદરતે જાણે સ્ત્રીપુરુષ વચ્ચે કાર્યની વહેંચણી કરી આપી છે.
સૃષ્ટિનો આરંભ થયો છે ત્યારથી પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પોતાના પુરુષને સમજવાનો પ્રયત્ન કરતાં આવ્યાં છે, પણ હજી સુધી આ કોશિશોમાં સો ટકા સફળતા કોઈને મળી નથી. પુરુષને જ્યારે એવો ગળા સુુધી વિશ્વાસ આવી ગયો કે તે સ્ત્રીને પૂરેપૂરી સમજી ચૂક્યો છે ત્યાં એવું કોઈ વાવાઝોડું આવે છે કે તેના વિશ્વાસની વરાળ થઈ જાય છે. તેમ છતાં સ્ત્રીપુરુષો એકબીજાને સમજવાના પ્રયાસો છોડતાં નથી, કારણ કે જ્યાં સુધી તેમાં સફળતા નહીં મળે ત્યાં સુધી સ્ત્રીપુરુષનું સહજીવન સુખી નહીં બને એવું સતત લાગ્યા કરે છે. થોડા સમય અગાઉ પુરુષો માટેના 'એક અંગ્રેજી' મેગેઝિને ૨૦૦ શહેરી સ્ત્રીઓનો એક સર્વે કરી સમગ્ર પુરુષજાતને મદદરૂપ બનવાનો એક જ પ્રયાસ કર્યો હતો.
લગ્નની રજતજયંતી અને ક્યારેક સુવર્ણજયંતી ઉજવી લીધા પછી પણ મોટા ભાગના પુરુષો માટે સ્ત્રી એક રહસ્યમાં વીંટાળેલો કોયડો હોય છે. સ્ત્રીને કયા સમયે શું જોઈતું હોય છે. શું ગમતું હોય છે અને શું નથી ગમતું તેનો ખ્યાલ તેની નજીક હોવાનો દાવો કરનારા પુરુષોને પણ આવતો નથી. પુરુષો એવું માનતા હશે કે આ સ્ત્રીસ્વાતંત્ર્યના યુગમાં નોકરી કરતી અને આઝાદ સ્ત્રીને હવે પુરુષના છત્રની અને સંરક્ષણની જરૂર નહીં હોય. આવી માન્યતા ભૂલભરેલી છે. એ મેગેઝિને જે સ્ત્રીઓનો સર્વે કર્યો તેમાંની ૮૩ ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે પુરુષો તેમના માટે પ્રોટેક્ટિવ હોય તે તેમને ખૂબ ગમે છે. એ યાદ રહે કે જે સ્ત્રીઓનો સર્વ કરવામાં આવ્યો તેમાંની મોટા ભાગની મહિલાઓ પોતાની આવક ધરાવતી હતી અને તેમાં પત્રકારો, એક્ઝિક્યુટિવ્સ, માર્કેટિંગ, એડવર્ટાઈઝિંગ અને બિઝનેસ વુમનનો પણ સમાવેશ થતો હતો. ભણેલીગણેલી સ્ત્રીઓ પણ આજે અસલામતી અનુભવી રહી હોવાનું જણાય છે.
પુરુષો હંમેશાં એવંુ માનતા હોય છે કે તેઓ ઘરનો આર્થિક બોજો ઉપાડી લેતા હોય છે એટલે ઘરની જવાબદારી સ્ત્રીઓએ પૂરેપૂરી સંભાળી લેવી જોઈએ. સ્ત્રી અને પુરુષ બન્ને નોકરી કે વ્યવસાય કરતાં હોય ત્યારે પણ પુરુષ એવું માને છે કે ઘરમાં આવતાંવેંત તે ઇઝી ચેરમાં પડતું મૂકી શકે છે. સ્ત્રી માત્ર ઘરમાં જ રહેતી હોય અને બહારનું કામ ન કરતી હોય તો પણ તે એવું માનતી નથી. તેની હંમેશની ખ્વાહિશ એવી હોય છે કે તેના પુરુષોએ ઘરકામમાં અવશ્ય મદદ કરવી જોઈએ. જે ૨૦૦ સ્ત્રીઓનો સર્વે કરવામાં આવ્યો તે પૈકી ૧૫૨ સ્ત્રીઓએ આવી ઇચ્છા વ્યક્ત કરી હતી. સ્ત્રી ઘરકામ કરીને થાકી જતી હોય છે અથવા કંટાળી જતી હોય છે માટે તેને પુરુષની સહાયની જરૂર પડે છે તેવું પણ હંમેશાં નથી હોતું. સ્ત્રી માત્ર એવું પુરવાર કરવા માગતી હોય છે કે ઘરકામ એ કોઈ હલકુ કાર્ય નથી અને પુુરુષે પણ તે કરવું જોઈએ. પુરુષો કદાચ એવું માનતા હશે કે સ્ત્રીનો જન્મદિવસ હોય ત્યારે કે તેની સાથે રામાન્સ ચાલતો હોય ત્યારે જ સ્ત્રીને પુષ્પો અર્પણ કરવાં જોઈએ.
સ્ત્રીઓ માટે ફલાવર્સ આર ફોર એવર ૮૨ ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે પુરુષો તેમને ફૂલો મોકલે તે ખૂબ ગમે છે. તેના માટે કોઈ પ્રસંગની રાહ જોવાની જરૂર નથી. સ્ત્રીઓ પુરુષના પૈસા અને પાવર કરતાં તેની વાચાળતા અને રમૂજવૃત્તિને વધુ માર્કસ આપે છે. ૮૯ ટકા સ્ત્રીઓએ એમ કહ્યું હતું કે તેમના પુરુષોમાં સારી રીતે વાતચીત કરવાની આવડત હોવી જોઈએ, જ્યારે ૪૯ ટકાએ પૈસાને પ્રાધાન્ય આપ્યું હતું. ૭૦ ટકા સ્ત્રીઓએ રમૂજવૃત્તિને મહત્ત્વ આપ્યું હતું. જ્યારે ૫૧ ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે પુરુષ પાસે સત્તા હોવી જોઈએ. ૬૭ ટકા સ્ત્રીઓએ કપડાનું અને ૬૫ ટકા સ્ત્રીઓએ સારા શરીરનું મહત્ત્વ અન્ડરલાઈન કર્યું હતું.
એકવીસમી સદીની આધુનિક મહિલાઓ કેવા પુરુષને પોતાનો આદર્શ જીવનસાથી માને છે તે જાણવું પુરુષો માટે ખૂબ મહત્ત્વનું છે. ૯૪ ટકા સ્ત્રીઓ કહે છે કે તેમનો જીવનસાથી ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, જ્યારે માત્ર ૪૭ ટકા મહિલાઓ જ કહે છે કે તે હેન્ડસમ હોવો જોઈએ. એટલે કે સ્ત્રીઓ પુરુષ પાસેથી બ્યુટી કરતાં બ્રેઈનની અપેક્ષા વધુ રાખે છે. આધુનિક સ્ત્રીને શ્રીમંત પુરુષ કરતાં પોતાની જવાબદારી નિભાવે તેવો પુરુષ વધુ પસંદ પડે છે. ૯૪ ટકા સ્ત્રીઓએ જવાબદાર પુરુષને જીવનસાથી બનાવવા પર પસંદગી ઢોળી હતી, જ્યારે ૪૭ ટકા સ્ત્રીઓ શ્રીમંત જીવનસાથી ઇચ્છતી હતી સેક્સી અને મોજીલા પુરુષો પણ સ્ત્રીઓનું દિલ જીતવામાં વધુ સફળ બને તેવું ચોક્કસપણે જણાય છે. ૭૯ ટકા સ્ત્રીઓએ જણાવ્યું કે તેમનો જીવનસાથી સેક્સી હોવો જોઈએ. અને ૮૪ ટકા સ્ત્રીઓએ કહ્યું કે તે ફક્ત લવિંગ હોવો જોઈએ.
સ્ત્રીઓને પોતાના પુરુષના સંરક્ષણ હેઠળ રહેવું ગમે છે, પણ તે પુરુષ પ્રોટેકશનના નામે સ્ત્રીના જીવનની લગામ પોતાના હાથમાં લઈને તેને ડોમિનેટ કરવા માંડે તે સ્ત્રી સહન કરી શકતી નથી. માત્ર ૩૩ ટકા સ્ત્રીઓએ જ જણાવ્યું હતું કે તેના જીવનનો કબજો લઈ લે તેવા પુરુષને તેઓ પોતાનો જીવનસાથી બનાવવા માગે છે. એકવીસમી સદીની સ્ત્રીઓ 'દીકરીને ગાય દોરે ત્યાં જાય' એ કહેવતને જૂઠી પાડવાનો સંકલ્પ કરી ચૂકી છે. તેમને પુરુષના પૈસાની જરૂર છે, પુરુષની કંપની વગર ચાલતું નથી, તેના પ્રોટેકશનને તેઓ આવશ્યક માને છે, પણ પુરુષનું ડોમિનેશન તેમને મંજૂર નથી. સ્ત્રીને જ્યારે એવો ડર લાગે છે કે તેનો પુરુષ તેને ડોમિનેટ કરવા લાગશે ત્યારે તે અગમચેતીનાં પગલાં તરીકે પોતે ડોમિનેટ કરવા લાગી જાય છે.
આધુનિક સ્ત્રી બોસ તરીકે, પ્રેમી તરીકે, મિત્ર તરીકે અને પતિ તરીકે કેવા પુરુષને પસંદ કરે છે તે જાણવું ખૂબ રસપ્રદ છે. બોસ તરીકે તેઓ બિલ ગેટ્સ (૧૬ ટકા) કરતાં રતન તાતા (૨૪ ટકા)ને વધુ પસંદ કરે છે. પ્રેમી તરીકે તેઓ મિલિંદ સોમણ (૨૨ ટકા) કરતાં શાહરુખ ખાન (૩૬ ટકા) ને વધુ કાબેલ માને છે. મિત્ર તરીકે જાવેદ જાફરી (૨૨ ટકા) કરતાં અનુપમ ખેર (૨૭ ટકા) વધુ માર્કસ લઈ જાય છે, પણ જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે તેઓ શાહરૂખ ખાન (૧૪ ટકા) કરતાં હૃતિક રોશન (૩૮ ટકા) પ્રત્યે વધુ ઢળે છે. ટૂંકમાં કહીએ તો આજની સ્ત્રીઓને પ્રેમી શાહરૂખ ખાન જેવો તોફાની અને ઉછાંછળો જોઈએ છે, પણ પતિ હૃતિક રોશન જેવો ઇન્ટેલિજન્ટ અને ઠાવકો જોઈએ છે. એટલે કે તેમનો આદર્શ પ્રેમી કદાચ, આદર્શ પતિ ન બની શકે એવું તેઓ માને છે.
વિદેશનાં સ્ત્રીપુરુષો ભલે જાહેરમાં પ્રેમનું પ્રદર્શન કરવામાં કંઈ ખોટું ન જોતાં હોય પણ આધુનિક ભારતીય મહિલા આ બાબતમાં હજી શરમાળજ રહી છે. ૬૧ ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે જે પુરુષ પોતાના પ્રેમનું પ્રદર્શન ખાનગીમાં જ કરે તેને અમે વધુ પસંદ કરીએ છીએ. આધુનિક સ્ત્રીઓ હવે સંયુક્ત કુટુંબ કરતાં વિભક્ત કુટુંબને વધુ પસંદ કરે છે. ૭૪ ટકા સ્ત્રીઓએ વિભક્ત કુટુંબ પર અને ૨૬ ટકા સ્ત્રીઓએ સંયુક્ત કુટુંબ પર પોતાની પસંદગી ઉતારી હતી પુરુષો પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપે અને કુટુંબને ભૂલી જાય તે પણ સ્ત્રીઓને ગમતું નથી. ૭૩ ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે તેમના પુરુષે પરિવારને જ પ્રાયોરિટી આપવી જોઈએ અને કારકિર્દીને બીજું સ્થાન આપવું જોઈએ. ટૂંકમાં કહીએ તો આજકાલની સ્ત્રીઓ વર્કોહોલિક પુરુષો સાથે પરણવાનું પસંદ કરતી નથી કામ તેમને શોક્ય જેવું જણાય છે.
આજકાલના પુરુષોમાં સ્ત્રી દાક્ષિણ્ય ઘટી રહ્યું છે. અને સ્ત્રીઓ તેનાથી ખૂબ વ્યથિત છે. સ્ત્રીઓ સ્વતંત્ર અને પગભર થાય તેનો અર્થ એવો નથી થતો કે પુરુષોએ તેની સાથે તિરસ્કારપૂર્વક વર્તવું કે વાતવાતમાં તેને ઉતારી પાડવી જે પુરુષોને સ્ત્રીઓ માટે આદર નથી તેઓ સ્ત્રીઓમાં ભારે અળખામણા બની જાય છે. સ્ત્રીઓ માટે પુરુષ કારનો કે લિફટનો દરવાજો ખોલી આપે તો તેને આજે પણ એ ગમે છે. તેને એવું લાગે છે કે કોઈ તેની કદર કરી રહ્યું છે. ૮૭ ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે જે પુરુષો સ્ત્રીઓનો અને ખાસ કરીને પોતાની માતાનો આદર કરે તેવા પુરુષોને તેઓ પસંદ કરે છે. ૮૯ ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે જે પુરુષને બાળકો ખૂબ ગમતાં હોય તેવા પુરુષો અમને બહુ ગમે છે. સ્ત્રીઓને ખુશ કરવા ઇચ્છતા પુરુષોએ બાળકોને ગળે લગાડતાં પણ શીખી લેવું જોઈએ.
સ્ત્રી જ્યારે પુરુષો સાથે વાતો કરે ત્યારે તે કયા વિષયોની ચર્ચા કરવા માગતી હોય છે તે જાણવું ખૂબ મહત્ત્વનું છે. સ્ત્રીઓને ઓછામાં ઓછો રસ રાજકારણની ચર્ચા (૨૧ ટકા)માં અને વધુમાં વધુ રસ લાગણીઓની અભિવ્યક્તિ (૮૨ ટકા)માં પડતો હોય છે. લાગણી પછી બીજો ક્રમાંક સંબંધો (૭૯ ટકા) અને ત્રીજો કામ (૭૦ ટકા)નો આવે છે. કોઈ સ્ત્રીને કલાકો સુધી વાતોમાં રોકી રાખવી હોય તો બસ લાગણી અને સંબંધોની ચર્ચા કર્યા કરવી અને વાતચીત જલદી પતાવી દેવી હોય તો રાજકારણ, અર્થકારણ કે અધ્યાત્મ જેવા વિષયો શરૂ કરવા. સ્પોર્ટસ અને સેક્સ જેવા વિષયોની ચર્ચામાં પણ સ્ત્રીઓને ઝાઝો રસ નથી પડતો. હા, તેમની હોબી વિશે ચર્ચા કરશો તો તેમને જરૂર રસ પડશે. ૬૪ ટકા સ્ત્રીઓએ તેમના શોખ વિશે ચર્ચા કરવામાં રસ જાહેર કર્યો હતો. સ્ત્રી પોતાના પુરુષ પાસે જે કંઈ માગે છે તે હકથી માગે છે અને જીદથી માગે છે. સ્ત્રીને જાણે માગવાનો જન્મસિદ્ધ અધિકાર છે અને બાપડો પુરુષ સ્ત્રીઓની માગણીઓ પૂરી કરવા જ સર્જાયો છે. 'ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂઘંટ નહીં ખોલું હું' ગુજરાતી ફિલ્મની હિરોઈન પોતાના ભરથારને કહે છે પોતાની માગણીઓ સંતોષાય નહીં ત્યારે સ્ત્રીઓ પાસે બ્લેકમેઈલિંગ કરવા માટેનાં અનેક હથિયારો હાથવગાં હોય છે. સ્ત્રી જ્યારે માગે છે ત્યારે મોંઘી અને એક્સક્લુઝિવ વસ્તુ જ માગે છે. કોઈ ઓર્ડિનરી ચીજમાં તેને રસ નથી હોતો. 'છેલા જી રે, મારી હાટું પાટણથી પટોળો મોંઘા લાવજો.' આ મોંઘા પટોળાં માટે પુરુષે કેટલી મજૂરી કરવી પડશે. તેની ચિંતા સ્ત્રીઓ શા માટે કરે? પુરુષોનો જન્મ કમાવા માટે થયો હોય છે અને સ્ત્રીઓનો ખર્ચવા માટે. કુદરતે જાણે સ્ત્રીપુરુષ વચ્ચે કાર્યની વહેંચણી કરી આપી છે.

