Gondal news: ગોંડલના બીલિયાળા ગામે કરન્ટ લાગવાથી પિતા-પુત્રનું મોત, રક્ષાબંધન પહેલા ભાઈના મોતથી શોકનો માહોલ

Gondal news: ગોંડલના બીલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રના ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બીલિયાળા ગામની સીમમાં પાણીની મોટર ચાલુ કરવા જતા 55 વર્ષીય ભીખા હીરપરા અને 19 વર્ષીય પુત્ર ક્રિસ હીરપરાને કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, પીજીવીસીએલની ટીમના ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
બે બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ
મળતી માહિતી અનુસાર, ગોંડલના બીલિયાળા ગામેની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા ભીખા હિરપરા અને પુત્ર ક્રિસ હીરપરાને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ક્રિશ હીરપરા BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રક્ષાબંધન પહેલા બે બહેનોનાં એકના એક ભાઈ અને પિતા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
હાલ પિતા-પુત્રના મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ગોંડલ પોલીસ,પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં યુવા અગ્રણી ગણેશ જાડેજા, બીલિયાળા સરપંચ દીપકભાઈ(લાલો) રૂપરેલિયા, શહેર ભાજપ પ્રમુખ સમીર કોટડિયા, યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના લોકો સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.

