Rajkot news: દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા મામલે રાજકોટના પાંચ શખ્સની પૂછપરછ, એકની અટકાયત

Rajkot news: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન રાજકોટના એક શખ્સે હુમલો કર્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે આ અંગે વધુ તપાસ કરવા રાજકોટમાં ધામા નાખ્યા છે. પોલીસે રાજકોટમાં વધુ પાંચ જેટલા ઈસમોની પુછપરછ કરી હતી, જયારે એક વ્યક્તિ પર શંકા જતા તેને દિલ્હી લઇ જવાયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાની ઘટના બાદ દિલ્હી પોલીસે રાજકોટના શખ્સની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ કરતા રાજકોટના પાંચ જેટલા ઈસમોની પુછપરછ કરી હતી. તેહસીન સૈયદ નામનો શખ્સ શંકાસ્પદ લાગતા પોલીસે તેની અટકાયત કરીને દિલ્હી રવાના થઇ છે. તેહસીન દ્વારા આરોપી રાજેશ સાકરિયાને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો. આરોપીની ઓળખ રાજેશ ખીમજીભાઇ સાકરિયા તરીકે થઇ હતી, જે 41 વર્ષનો છે અને રાજકોટમાં રહે છે. રાજેશ સાકરિયાએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો હાથ પકડીને ખેંચ્યો હતો, જેના કારણે તેમનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયુ હતું અને તેમને માથા અને ખભામાં ઇજાઓ થઇ હતી. પોલીસે રાજેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

