Rajkot news: આજી ડેમ પોલીસ સ્ટેશનની મહિલા કૉન્સ્ટેબલે ઝેરી દવા પી કર્યો આપઘાત

Rajkot news: રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કૉન્સ્ટેબલ 28 વર્ષીય હરસિદ્ધિબેન ભારડિયા પોતાના ઘરકંકાસથી કંટાળીને ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેથી તેઓને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વધુ તબિયત લથડતા તેમને અમદાવાદમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની એક મહિના સારવાર બાદ નિધન થયું હતું.
મળતી માહિતી અનુસાર, રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનના મહિલા કૉન્સ્ટેબલ હરસિદ્ધિબેનની ગત એક મહિનાથી અમદાવાદ શહેરમાં સારવાર ચાલી રહી હતી. મહિલા કૉન્સ્ટેબલ હરસિદ્ધિબેનના પતિ કોઈ કામધંધો ન કરતા હોવાથી વારંવાર કજિયો થતો હતો. જેથી આખરે ઘરકંકાસથી કંટાળીને મહિલા કૉન્સ્ટેબલે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. બાદ તેમની તબિયત વધુ કથળતા અમદાવાદ ખસેડવામાં આવ્યાં જ્યાં સતત એક મહિના બાદ આખરે આજે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. મહિલા કૉન્સ્ટેબલના નિધનને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

