Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Public outrage over underground sewerage issue in Harij, Patan, women shout slogans of 'Hai Hai' against BJP-ruled municipality

VIDEO: પાટણના હારીજમાં ભૂગર્ભ ગટર મુદ્દે જનઆક્રોશ, ભાજપ શાસિત નગરપાલિકા સામે મહિલાઓએ પોકાર્યા 'હાય હાય' ના સૂત્રો

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટરની વિકટ સમસ્યાને લીધે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હારીજ-બેચરાજી બાયપાસ હાઈવે પર આવેલી દરજી સોસાયટીની બહાર ગટરના ગંદા પાણી નદીની જેમ વહેતા થતા આજે સ્થાનિક રહીશોનો પિત્તો ગયો હતો અને તેમણે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

App Store

ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલાઓ એકસાથે મેદાનમાં 
આશ્ચર્યજનક રીતે આ વિરોધ પ્રદર્શનમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો પણ મહિલાઓ સાથે ખભેખભો મિલાવીને જોડાયા હતા. નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને ચીફ ઓફિસરની નિષ્ક્રિયતા સામે લોકોએ 'ભાજપ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

શિક્ષણ અને સ્વાસ્થ્ય પર જોખમ 
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 3 માસથી ગટર ઉભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેનાથી ભયંકર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. રસ્તા પર ભરાયેલા ગંદા પાણી અને ખાડાઓને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ગંદકીની સાથે સાથે પીવાના પાણીની અનિયમિતતાને લઈને પણ મહિલાઓએ ભારે રોષ ઠાલવ્યો હતો.

સત્વરે નિરાકરણની માંગ
સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર વહેલી તકે આ ગટર અને પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે. જો આગામી દિવસોમાં સત્વરે કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.