VIDEO: ગોધરાના તેજસ્વી વિદ્યાર્થી પ્રથમ અજમેરાએ CAની પરીક્ષામાં દેશમાં 12મો રેંક મેળવ્યો
VIDEO: પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરે ફરી એક વખત શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાનું મક્કમ સ્થાન સાબિત કર્યું છે. ગોધરાના તેજસ્વી વિદ્યાર્થી પ્રથમ અજમેરાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની નેશનલ લેવલની પરીક્ષામાં સમગ્ર દેશમાં 12મો રેંક હાંસલ કરી ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવનો ક્ષણ સર્જ્યો છે.
દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપે છે, જેમાં ટોપ 50 રેન્ક મેળવવી પણ મહા મુશ્કેલ માનવામાં આવે છે. ત્યારે સામાન્ય વર્ગના પરિવારમાંથી આવતાં અને ગોધરાની સહકારી બેન્કમાં પિતાનું કલેક્શનનું કામ હોવા છતાં પ્રથમ અજમેરાએ અનવરત મહેનતના બળે આ સિદ્ધિ મેળવી અદમ્ય ઇચ્છાશક્તિનો પ્રતીક બની ગયો છે.પ્રથમ અજમેરાની આ સિદ્ધિથી શહેરમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનીક શિક્ષણ જગત સહિત ગોધરા શહેરના નાગરિકો અને વિદ્યાભ્યાસમાં લાગી રહેલ યુવા પેઢી દ્વારા પ્રથમ અજમેરાને વધામણીઓ મળી રહી છે. શહેરના શિક્ષકોનું માનવું છે કે “સંઘર્ષમાં રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક જીવંત પ્રેરણા છે કે પરિસ્થિતિઓ નહીં, પરંતુ લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા અને મહેનત જ સફળતા અપાવે છે.”ગોધરા સહિત સમગ્ર પંચમહાલ અને મધ્ય ગુજરાત માટે પ્રથમ અજમેરાની આ સિદ્ધિ ગૌરવની સાથે સાથે પ્રેરણાનું પ્રતીક બની છે.
આ યુવા પ્રતિભાએ સાબિત કર્યું છે કે સંજોગો કેટલી પણ કઠિન હોય, પરંતુ સપનાં મોટા હોય તો ગોધરા જેવી નાની સિટીમાંથી પણ “ઓલ ઈન્ડિયા રેન્ક” મેળવી શકાય છે.

