Pavagadh news: શક્તિપીઠ પાવાગઢમાં હવે શ્રદ્ધાળુઓ કરાવી શકશે હવન-યજ્ઞ, જાણો શું છે નવી સુવિધા

Pavagadh news: પાંચ વર્ષના જીર્ણોદ્ધાર બાદ ભક્તોને મળી અમૂલ્ય ભેટ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મા મહાકાળીના કરોડો ભક્તો માટે એક આનંદદાયક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, શક્તિપીઠ એવા પાવાગઢ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં જ નવચંડી યજ્ઞ અને હવન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધી અંબાજી કે અન્ય મોટા શક્તિપીઠોમાં ભક્તો યજ્ઞ કરાવી શકતા હતા, પરંતુ પાવાગઢમાં આવી વ્યવસ્થાનો અભાવ હતો, જે હવે દૂર થયો છે.
યજ્ઞશાળાનું ભવ્ય લોકાર્પણ આજે શુભ મુહૂર્તમાં પાવાગઢ મંદિર પરિસરમાં નવનિર્મિત આધુનિક યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે કાલિકા ટ્રસ્ટ દ્વારા 'વિશ્વશાંતિ સર્વમંગલ મહાયજ્ઞ' અને 'સહસ્ત્રચંડી યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજ્ઞશાળાને વિધિવત રીતે ભક્તો માટે ખુલ્લી મુકવામાં આવી છે.
જીર્ણોદ્ધારની કામગીરીની પૂર્ણાહુતિ ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી પાવાગઢ મંદિરમાં વ્યાપક જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિખર પર ધજા રોહણ બાદ મંદિરનો કાયાકલ્પ થયો છે. આ વિકાસકાર્યોની શ્રૃંખલામાં ભક્તો માટે 'અંતિમ ભેટ' તરીકે આ યજ્ઞશાળાની સગવડ તૈયાર કરવામાં આવી છે. હવે માઈભક્તો પોતાની માનતા કે બાધા પૂરી કરવા માટે માતાજીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવી શકશે.
ભક્તોમાં ખુશીની લહેર આ વ્યવસ્થા શરૂ થતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધાર્મિક વિધિ-વિધાન માટે હવે ભક્તોએ અન્યત્ર જવાની જરૂર નહીં પડે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ભક્તોએ આવકાર્યો છે, જેનાથી પાવાગઢમાં ધાર્મિક પ્રવાસનને વધુ વેગ મળશે.

