VIDEO: Navsariમાં ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, 1.81 લાખના મુદ્દામાલ સાથે 1 શખ્સ ઝડપાયો
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ડ્રોન કેમેરાની મદદથી વાંસદા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં ચાલતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્ર સરહદ પર આવેલા ઘોડમાળ ગામમાં પોલીસે દરોડા પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નવસારી SOGની ટીમ જ્યારે મહારાષ્ટ્ર બોર્ડર પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોન ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા આકાશમાંથી નિરીક્ષણ દરમિયાન ઘોડમાળ ગામના એક ખેતરમાં શંકાસ્પદ છોડ દેખાયા હતા. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તે ખેતરની વચ્ચે છુપાવીને ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ઘોડમાળ ગામના ઓઝરપાડા ફળીયામાં રહેતા 26 વર્ષીય મનીષ શંકરભાઇ ભગરીયા નામના યુવકને ખેતરમાંથી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે નીચે કુલ 94 નંગ ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે કુલ 1.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ 1985 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની આગળની તપાસ હવે વાંસદા પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે ડ્રોન ટેકનોલોજીના આક્રમક ઉપયોગથી હવે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

