VIDEO: Navsari / ભોળી આદિવાસી પ્રજાને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર? રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના સરા ગામે ધર્મ પરિવર્તનની આશંકાએ ભારે વિવાદ સર્જાયો છે. એક નિવૃત્ત CRPF જવાનના સન્માન સમારોહના બહાને ભોળી આદિવાસી જનતાને લાલચ આપી વટાળ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સરા ગામે એક નિવૃત્ત CRPF જવાનના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કાર્યક્રમ માત્ર એક દેખાવો હતો. તેની આડમાં મહારાષ્ટ્રથી આવેલા પાસ્ટરો અને સ્થાનિક સાગરીતો દ્વારા લોકોને એકઠા કરી તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પ્રલોભન આપવામાં આવી રહ્યા હતા. ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર કે પોલીસની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનો દાવો કરાયો છે. મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે સહિતની ટોળકી સામે આસપાસના ગામો (ધરમપુરી, કેવડી, ખરજઈ, કુકડા) માં પણ ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આ મામલે વાંસદા પોલીસ મથકે પહોંચી જવાબદાર પાસ્ટરો અને સ્થાનિક સાગરીતો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે.

