VIDEO: Navsari કૃષિ યુનિવર્સિટી પાસે ગંભીર દુર્ઘટના; વીજ કરંટ લાગતા 16 વર્ષીય સગીરાનું મોત
નવસારી કૃષિ યુનિવર્સિટી પાસે આવેલા સરગમ એપાર્ટમેન્ટ નજીક વીજ કરંટ લાગતા 16 વર્ષની કિશોરીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર સગીરા રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી. સગીરા જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે સરગમ એપાર્ટમેન્ટ પાસે આવેલા એક વીજ થાંભલામાં અચાનક કરંટ ઉતર્યો હતો. અંધારામાં સગીરાને આ ભયનો ખ્યાલ ન આવતા તે વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આયુષીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન સગીરાનું મોત નિપજ્યું હતું.
માત્ર 16 વર્ષની દીકરીના અકાળે અવસાનથી નાયકા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

