VIDEO: Narmada / ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે તંત્ર સજ્જ, ભક્તોની સુવિધા માટે ગોવાથી મંગાવાઈ 20 સ્પીડ બોટ
ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતી નર્મદા નદીની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા ચૈત્ર માસમાં શરૂ થવા જઈ રહી છે. નર્મદા નદીનું વહેણ જ્યાં ઉત્તર દિશામાં હોય છે તેવા રેંગણથી રામપુરા વચ્ચેના પટમાં આ પરિક્રમાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે અંદાજે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને જોતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી શ્રદ્ધાળુઓની આસ્થાનું પર્વ 'ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા' શરૂ થઈ રહી છે. આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રેંગણથી રામપુરાના જળમાર્ગ માટે ગોવાથી ખાસ 20 અત્યાધુનિક સ્પીડ બોટ મંગાવવામાં આવી છે, જે 20 મિનિટની મુસાફરી માત્ર 6 મિનિટમાં પૂર્ણ કરશે. આ છતવાળી બોટમાં બે એન્જિનની સુવિધા ઉપલબ્ધ છે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે 24 કલાક આરોગ્ય સેવા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રેંગણ ઘાટ ખાતે કરવામાં આવી છે.
આ એક મહિનાની પરિક્રમા દરમિયાન માત્ર ધાર્મિક માહોલ જ નહીં, પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ પણ વેગ પકડશે. સ્થાનિક નાવિકો અને વેપારીઓને આ પરિક્રમા થકી મોટા પ્રમાણમાં રોજગારી મળી રહેશે. વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

