Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Sagabara-Umarpada forest land dispute heats up: 10th day of agitation, Maharashtra MLA Amsha Padvi joins agitation

સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ ગરમાયો: આંદોલનનો 10મો દિવસ, મહારાષ્ટ્રના ધારાસભ્ય અમશા પાડવી આંદોલનમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ ગરમાયો: આંદોલનનો 10મો દિવસ, મહારાષ્ટ્રના ધારાસભ્ય અમશા પાડવી આંદોલનમાં જોડાયા
સોર્સ : gstv

નર્મદા અને સુરત જિલ્લાની સરહદ પર આવેલા સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન હવે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જંગલ જમીનના હક અને ખેડાણને લઈને સ્થાનિક આદિવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણા પ્રદર્શન અને આંદોલનને આજે (17મી ઓગસ્ટ) 10મો દિવસ છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.

App Store

મહારાષ્ટ્રના ધારાસભ્ય અમશા પાડવી આંદોલનમાં જોડાયા

ગુજરાતના સ્થાનિક નેતાઓ બાદ હવે આ આંદોલનને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી પણ સમર્થન સાંપડ્યું છે. મહારાષ્ટ્રના અક્કલકુવા વિધાનસભાના ધારાસભ્ય અમશા પાડવી સાગબારા ખાતે આંદોલનકારી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને સંપૂર્ણ સહકાર અને સમર્થનની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, 'હું મહારાષ્ટ્ર કે ગુજરાતનો નહીં, પરંતુ પહેલા આદિવાસી સમાજનો ભાઈ છું. આ ધરણા પર બેઠેલા ખેડૂતો અમારા સમાજના આદિવાસી ભાઈઓ છે. વર્ષ 2002થી આ ખેડૂતો અહીં જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેથી જમીન ખેડાણનો કાયદેસરનો હક તેમને મળવો જ જોઈએ.'

10મા દિવસે પણ ઉકેલ નહીં, રાજકારણ ગરમાયું

આદિવાસીઓના હક અને પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા ધારાસભ્ય અમશા પાડવીના આગમનથી આ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. જંગલ જમીનના મુદ્દે શાસક અને વિપક્ષના નેતાઓ સામસામે આવી જતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.10-10 દિવસથી આંદોલન ચાલુ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતાં આદિવાસીઓ અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ ધરણાં પ્રદર્શન વધુ ઉગ્ર આંદોલનમાં ફેરવાય તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.

ઉમરપાડામાં 'જંગલ બચાવો' રેલી અને વિરોધ

ઉલ્લેખનીય છે કે, એક તરફ સાગબારાના ખેડૂતો હક્ક માટે લડી રહ્યા છે, તો બીજી તરફ ઉમરપાડા ખાતે 'જંગલ બચાવો, આદિવાસી બચાવો' રેલી યોજાઈ હતી. આ રેલીમાં સાગબારાના ખેડૂતો દ્વારા ઉમરપાડાની જમીન પર થઈ રહેલા ખેડાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ જોતાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું જંગલની જમીન માટેનો આ જંગ હવે 'આદિવાસીઓ વિરુદ્ધ આદિવાસીઓ' અને 'રાજકીય જંગ' બની ગયો છે? બે જિલ્લાનું રાજકારણ અને શાસક પક્ષના નેતાઓની પોતાની જ સરકાર સામેની અસહાયતા ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને રાજકીય દબાણ તરફ ઈશારો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિવાદનો ક્યારે અને કેવો ઉકેલ લાવે છે.