Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Mansukh Vasava attacked his own party leaders

Narmada: 'જિલ્લા પ્રમુખ રાક્ષસી વૃત્તિનો, પ્રભારી કઠપૂતળી જેવો છે',મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
Narmada: 'જિલ્લા પ્રમુખ રાક્ષસી વૃત્તિનો, પ્રભારી કઠપૂતળી જેવો છે',મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર
સોર્સ : GSTV

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના રકાસ બાદ સંગઠનમાં રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. હારના કારણો શોધવા માટે યોજાયેલી 'મનોમંથન' બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના હોદ્દેદારો સામે અત્યંત આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.

App Store

સવારે 10 વાગ્યા સુધી ઊંઘનારા રાક્ષસી વૃત્તિના માણસો'

વાઈરલ વીડિયોમાં મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ નિલ રાવ અને નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી પર નિશાન સાધતા કહી રહ્યા છે કે, 'નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે. તેમણે મને કહેવું જોઈએ કે આપણે જે બેઠક પર નબળા છે તે બેઠક પર તમારે જવાનું છે. નિલ રાવ કોઈપણ બેઠક પર જીતાડવા માટે નીકળ્યા નથી. સવારે 9 કે 10 વાગ્યા સુધી સૂઈ રહે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. અહીં બે રાક્ષસો બેઠા છે, ભોલો હોય કે નિલ હોય અને બીજા પણ કેટલાય રાક્ષસો છે. લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે આ નેતાઓ મોડા ઉઠે છે અને માત્ર એસી ઓફિસમાં બેસીને બ્રિફિંગ કર્યા કરે છે.'

ચૈતર વસાવા સાથે સાંઠગાંઠનો ગંભીર આક્ષેપ

ચૈતર વસાવા પર આક્ષેપ કરતા મનસુખ વસાવા જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે આ લોકોની ચૈતર સાથે સાંઠગાંઠ છે. મેં સૂચવેલા ઉમેદવારોને ટિકિટ ન આપીને મનમાની ચલાવી છે. જો ચૈતર એન્ડ કંપની સામે લડવાની સક્ષમતા ન હોય તો પદ છોડી દેવું જોઈએ. જો આ નેતાઓના ભરોસે રહ્યા તો 2027માં પણ અત્યારે જેવી જ પરિસ્થિતિ સર્જાશે.'

પોલીસમાં વગ અને દારૂ-જુગારના અડ્ડા પર સવાલ

સવાલો ઉઠાવતા મનસુખ વસાવાએ કહ્યું હતું કે, 'જિલ્લા પ્રમુખ નિલ રાવની પોલીસમાં સારી વગ છે, તો તે દારૂ અને જુગારના અડ્ડાઓ પર કેમ રેડ નથી પડાવતા? આવા અડ્ડા ચલાવનારા લોકોએ જ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે.' જિલ્લા કાર્યાલયમાંથી તેમનું સોશિયલ મીડિયા સંચાલન પણ નિલ રાવે બંધ કરાવી દીધું હોવાનો તેમણે દાવો કર્યો હતો.

મનસુખ વસાવાના આકરા પ્રહારો બાદ સંગઠન પ્રભારીની પ્રતિક્રિયા

ભાજપમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા સંગઠનના હોદ્દેદારો સામે કરવામાં આવેલા આકરા પ્રહારો બાદ હવે સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આંતરિક વિખવાદને ડામવાનો પ્રયાસ કરતા જણાવ્યું છે કે પક્ષમાં ફરી બેઠા થવા માટે તમામ સાથે મળીને કામ કરશે.

મનસુખ વસાવાએ જે બેઠકમાં જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, તે અંગે સ્પષ્ટતા કરતા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીએ જણાવ્યું કે, 'જ્યારે આ મનોમંથન બેઠક યોજાઈ ત્યારે હું ત્યાં હાજર નહોતો. અમે મનસુખભાઈ વસાવાનું આદર કરીએ છીએ. જિલ્લામાં ભાજપને ફરી કેવી રીતે મજબૂત કરવો અને સંગઠનને કેવી રીતે બેઠું કરવું, તે માટે અમે બધા સાથે મળીને મનોમંથન કરીશું.'

આ વિવાદ વધુ ન વકરે તે હેતુથી અર્જુન ચૌધરીએ પક્ષના કાર્યકરો અને લોકોમાં કોઈ ખોટા મેસેજ ન જાય તેવી પણ માંગ કરી છે. નર્મદા જિલ્લામાં પંચાયતોની હાર બાદ સર્જાયેલી આ સ્થિતિમાં હવે પ્રદેશ ભાજપ હસ્તક્ષેપ કરે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

હારનું મનોમંથન કે વિખવાદ?

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાની 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતમાં ભાજપની હાર થઈ છે અને આમ આદમી પાર્ટી (AAP) નું શાસન આવ્યું છે. આ હાર બાદ પ્રદેશ નેતૃત્વમાં રજૂઆત કરવાની તૈયારી સાથે સાંસદે સ્પષ્ટ કર્યું હતું કે નવા લોકો ફેલ ગયા છે અને હવે જૂના કાર્યકરોએ કમાન સંભાળવી પડશે.