VIDEO: નર્મદામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના બે દરવાજાા ખોલાયા, 32 હજારથી વધુ ક્યુસેક પાણી નદીમાં છોડાયું
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે જળસંચયના મુખ્ય સ્ત્રોત એવા કરજણ ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ છે. ડેમના ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે ડેમનું નિયત 'રૂલ લેવલ' જાળવી રાખવાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના ઉપરવાસમાં આવેલા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો સારો વરસાદ નોંધાતા ડેમમાં પાણીની આવક વધી છે.
ઉપરવાસમાં ૩ ઈંચ વરસાદથી પાણીની આવક વધી
કરજણ ડેમના કેચમેન્ટ એરિયા ગણાતા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં સતત ૩ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાંથી વહીને આવતા પાણીના કારણે ડેમની જળસપાટીમાં ઝડપથી વધારો થયો હતો. કરજણ ડેમની વર્તમાન સપાટી 106.22 મીટરે પહોંચી ગઈ છે. જળસપાટીને નિયંત્રણમાં રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 2 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલાતાં જ કરજણ નદીમાં 32,464 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા
ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. કરજણ નદીના નીચાણવાળા અને કાંઠાના ગામોના લોકોને નદીપટમાં ન જવાની તથા સાવચેત રહેવાની કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુરક્ષા અને આગોતરા પગલાંના ભાગરૂપે તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નદીકાંઠે વસતા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને નદીકાંઠાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.

