VIDEO: યુક્રેનમાં બંદીવાન મોરબીના યુવાન સાહિલ માજોઠીએ પરિવારજનો સાથે કરી વાત, માતાએ પરત લાવવાની કરી માંગ
ગુજરાતના મોરબીનો યુવક સાહિલ માજોઠી જે યુક્રેનમાં ફસાયેલો છે, તેણે તેની માતા સાથે વાતચીત કરી હતી. યુક્રેનમાં ફસાયેલ મોરબી ના યુવક સાથે માતાની ભાવાત્મક વાતચીત થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે યુક્રેનમાં ફસાયેલા સાહિલ માજોઠીએ મોરબી સ્થિત માતા હસીનાબેન સાથે વાતચીત કરી હતી. માતાએ સાથે વાતચીત દરમિયાન યુવાન ભાવુક થઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન ગયા હતા અને સાહિલ સાથે ખાસ મુલાકાત પણ કરી હતી. સાહિલે અન્ય પરિજનો સાથે પણ વાત કરી હતી.
રશિયન અદાલતે સાત વર્ષની જેલની સજા ફટકારી
સાહિલે અગાઉ જણાવ્યું હતું કે તેની ડ્રગ્સના કેસમાં રશિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી, એ પછી રશિયન અદાલતે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. 'જોકે, રશિયાની સરકારે સાહિલને ઑફર કરી કે જો તે રશિયન સેનામાં જોડાય જાય તો તેની સજા માફ કરી દેવામાં આવશે અને સેનામાં સેવા બદલ તેને પગાર ચૂકવવામાં આવશે. 22-વર્ષના સાહિલે સરકારની આ ઓફર માની લીધી હતી અને રશિયાની સેનામાં જોડાઈ ગયો.
યુદ્ધના મોરચા પર મોકલવામાં આવ્યો
16 દિવસની ટૂંકી તાલીમ બાદ સાહિલને પહેલી ઑક્ટોબરના રોજ તેને યુદ્ધના મોરચા પર મોકલવામાં આવ્યો હતો. યુદ્ધના મોરચે ત્રણેક દિવસ રહ્યા બાદ સાહિલ અને તેના કમાન્ડર વચ્ચે બોલાચાલી થઈ હતી, એ પછી સાહિલે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. હાલમાં તે યુક્રેનમાં બંદીવાન છે.

