Morbi: કામધંધા બાબતે ઠપકો આપતા કળિયુગી પુત્રએ પિતા પર કર્યો જીવલેણ હુમલો, 85 વર્ષીય વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કળિયુગી પુત્રએ પિતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટનાને અંજામ આપ્યો છે. માત્ર કામધંધા બાબતે પિતાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.
મળતી માહિતી મુજબ, માળીયા પંથકમાં રહેતા 85 વર્ષીય વૃદ્ધ જીવણભાઈ સોમાણીને તેમનો પુત્ર પ્રવિણ ઉર્ફે પવો કોઈ કામધંધો કરતો ન હોવાથી અવારનવાર ટોકતા હતા. પિતાની આ શિખામણ પુત્રને ગમતી ન હતી. ગત રોજ ફરી એકવાર પિતાએ કામધંધા બાબતે ઠપકો આપતા પ્રવિણ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવી ઘરમાં પડેલી કુહાડી વડે પિતા પર હુમલો કરી દીધો હતો.
આરોપી પુત્ર પ્રવિણ ઉર્ફે પવાએ પિતા જીવણભાઈ પર કુહાડીના આડેધડ ઘા ઝીંક્યા હતા. વૃદ્ધ પિતાને પગના ભાગે કુહાડીના ગંભીર ઘા વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને કારણે જીવણભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
આ મામલે મૃતક જીવણભાઈના અન્ય પુત્ર ભરતભાઈ સોમાણીએ પોતાના જ સગા ભાઈ પ્રવિણ સામે પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી છે. માળીયા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

