Morbi: ખનીજ માફિયાઓ પર SOGનો સપાટો; જીલેટીન સ્ટીક અને ડિટોનેટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત, 12 સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લા એસઓજી પોલીસે વાંકાનેર તાલુકાના સતાપર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન પર મોટી કાર્યવાહી કરી છે. ખનીજ ચોરી માટે બ્લાસ્ટ કરવાના હેતુથી રાખવામાં આવેલ જીલેટીન સ્ટીક અને ડિટોનેટરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સતાપરથી અદેપર જવાના રસ્તે આવેલી સરકારી જમીનમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ ખનન માટે પથ્થરો તોડવા પ્રતિબંધિત વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પોલીસે 3.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 475 જીલેટીન સ્ટીક, 75 ડિટોનેટર,ઈલેક્ટ્રિક વાયર અને પાડવા, મોબાઈલ,બોલેરો ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

