Morbiના જેતપરમાં 19 દિવસ લાંબા ઉપવાસ આંદોલનનો અંત, ખેડૂતોએ પારણા કર્યા પણ લડત ચાલુ રાખવા મક્કમ નિર્ધાર

પાવર ગ્રીડના વિરોધમાં મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે. જોકે લડાઈ ચાલુ રહેશે. આંદોલનકારી ઉપવાસી ખેડૂતોએ સંતો, મહંતો અને દીકરીઓના હસ્તે પારણા કર્યા. આ સાથે 19 દિવસથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો હવે અંત આવ્યો છે. ખેડૂતોના પારણા પહેલાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તમામ ખેડૂતોના સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આંદોલન પાર્ટ-થ્રીની જાહેરાત બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી. સાથે જ પરિપત્ર મુજબનું વળતર ખેડૂતોને સ્વીકાર્ય ન હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
આંદોલનકારી નેહુલ અમૃતિયાની તબિયત લથડી હતી
મોરબીના જેતપર ગામે ઉપવાસ આંદોલનના ૧૯માં દિવસે આંદોલનકારી નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અગાઉ નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર ન મળે અને સમિતિ તેનો સંપૂર્ણ અભ્યાસ ન કરે ત્યાં સુધી આંદોલન સ્થગિત કરવામાં આવશે નહીં. સરકારની જાહેરાતને પરિપત્ર સ્વરૂપે જોયા બાદ જ આંદોલન સમિતિ આગામી રણનીતિ અને ઉપવાસ આંદોલન અંગે અંતિમ નિર્ણય લેશે. ખેડૂતો પોતાની માંગણીઓ પ્રત્યે મક્કમ છે અને જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સમિતિએ મક્કમ નિર્ધાર કર્યો હતો.
ખેડૂતોને અનેક સંગઠનોનું મળ્યું હતું સમર્થન
આમરણાંત ઉપવાસ આંદોલનને હવે હળવદના વેપારીઓ સહિત અનેક નેતાઓનું પણ સમર્થન મળ્યું હતું. હળવદ માર્કેટિંગ યાર્ડને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારી સંગઠનો દ્વારા આંદોલનકારીઓની માંગને યોગ્ય ઠેરવી સરકારને વહેલી તકે ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વેપારીઓમાં એકતા અને સમર્થનનો માહોલ જોવા મળી રહ્યો હતો.

