Mahudi news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીલવઈ-મહુડી ફોર લેન માર્ગનું લોકાર્પણ કર્યું

Mahudi news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહુડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.
આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહુડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન પરિવહનમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે. એટલું જ નહીં ,અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે.
દિવાળી, કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને રાહત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ નેટવર્ક સંગીન અને સસ્ટેનેબલ બનાવવા માર્ગ અને મકાનને આપેલા દિશાનિર્દેશ અને માર્ગદર્શનમાં સિમેન્ટ કોંક્રીટના રોડ નિર્માણથી ચોમાસામાં વરસાદી પાણીની અસરોથી માર્ગો ને નુકસાન થતું અટકાવવાનો અભિગમ માર્ગ મકાન વિભાગે અપનાવ્યો છે.
20 કરોડના ખર્ચે સાડા ચાર કિલોમીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયો
તદ્દઅનુસાર, આ મહુડી-પીલવઈ રોડ પણ સિમેન્ટ-ક્રોક્રિટનો અને મજબૂત ગુણવત્તાયુક્ત બનાવવામાં આવ્યો છે. આ ફોર-લેનની કામગીરી 10 મહિનામાં પૂર્ણ થઈ છે અને દિવાળીના તહેવારો પહેલા તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરતા આગામી કાળીચૌદશે વિશાળ સંખ્યામાં મહુડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓને માટે વાહન વ્યવહાર સુલભ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સુશાસનના 24 વર્ષ પૂર્ણ થઈ 25માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે તારીખ 7થી 15 ઑક્ટોબર રાજ્યવાપી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહમાં રાજ્યભરમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ સપ્તાહ અંતર્ગત આ મહુડી-પીલવઈ માર્ગના વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ તેમજ પદાધિકારીઓ અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

