Mehsana news: વડનગરના સુલતાનપુર રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત, 2 શ્રદ્ધાળુઓનાં કરુણ મોત

Mehsana news: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડનગરના સુલતાનપુર રોડ પર આજે સાંજે એક પૂરઝડપે આવી રહેલી ઈકો કાર અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક પર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, સુલતાનપુર રોડ પરથી પસાર થઈ રહેલી એક ઈકો કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે બાઈક પર કુલ ત્રણ વ્યક્તિઓ સવાર હતા. ટક્કર વાગતા જ બાઈક પરથી ફંગોળાયેલા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે ત્રીજી વ્યક્તિને ગંભીર હાલતમાં ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી.
સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મૃતક બંને વ્યક્તિઓના મૃત્તદેહને પીએમ (Post Mortem) માટે અને ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સુલતાનપુર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ વડનગર પોલીસની ટીમ હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત પાછળ કાર ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

