VIDEO / Mehsana news: કડીમાં કેસરિયો મહેરામણ ઉમટ્યો, વિરાટ હિન્દુ મહાસંમેલનમાં સંસ્કૃતિના જતન માટે અપાયો ખાસ સંદેશ
Mehsana news: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં બુધવારની સાંજ ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાઈ હતી. શહેરના કરણનગર રોડ પર આવેલી જય ગુરુદેવ સોસાયટીની સામેના વિશાળ મેદાનમાં 'વિરાટ હિન્દુ મહાસંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન, એકતાની ભાવના અને સામાજિક સમરસ્તાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના પ્રેરક આશીર્વચન
આ જંગી મહાસંમેલનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વક્તા પૂજ્ય શ્રી અપૂર્વમુનિ સ્વામી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમણે પોતાના પ્રભાવશાળી પ્રવચનમાં જણાવ્યું હતું કે, સંસ્કારી યુવા પેઢી અને સંગઠિત સમાજ જ રાષ્ટ્રનું સાચું ગૌરવ છે. તેમણે ઉપસ્થિત મેદનીને હિન્દુ સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું.
રાજભા ગઢવીની રમઝટ અને ભગવો માહોલ
સંમેલનમાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં શૌર્યરસ અને ભક્તિરસની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશપ્રેમથી છલકાઈ ગયું હતું. આ પ્રસંગે મહેસાણા અને બનાસકાંઠા વિભાગના પ્રચારક રવિ ગજ્જર સહિત અન્ય મહાનુભાવો પણ મંચ પર બિરાજમાન રહ્યા હતા.
સમગ્ર કડી શહેર અને ખાસ કરીને કરણનગર રોડ વિસ્તારને ભગવી ધજાઓથી શણગારવામાં આવ્યો હતો. આખા વિસ્તારમાં કરાયેલા પ્રચારે સંમેલનને ચાર ચાંદ લગાવી દીધા હતા. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો અને યુવાનોએ આ આયોજનને ઐતિહાસિક બનાવી દીધું હતું.



