VIDEO: Mehsana / ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ઊંઝા માર્કેટયાર્ડ પર માઠી અસર; મસાલાના પાકોની નિકાસ ઠપ્પ થતા ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં
પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલો યુદ્ધનો તણાવ હવે એશિયાના નંબર વન મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડ પર માઠી અસર પાડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ અટકી જતાં વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઊંઝા માર્કેટયાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ધાણા અને ઈસબગુલ જેવા પાકોની મોટા પાયે વિદેશમાં નિકાસ થાય છે. જોકે, યુદ્ધ લાંબુ ખેંચાતા દરિયાઈ માર્ગો અને નિકાસની પ્રક્રિયાને માઠી અસર પહોંચી છે. હાલમાં ઊંઝા યાર્ડમાં દરરોજ 40,000થી વધુ બોરી મસાલા પાકોની આવક થઈ રહી છે, પરંતુ તેની સામે નિકાસ લગભગ ઠપ્પ થઈ ગઈ છે. પરિણામે, યાર્ડમાં ઠેર-ઠેર બોરીઓના ઢગલા જોવા મળી રહ્યા છે અને ખાનગી ગોડાઉનો પણ હવે ફૂલ થઈ ગયા છે.
હાલમાં જીરું અને વરિયાળી જેવી જણસોની મુખ્ય સિઝન હોવાથી ખેડૂતો મોટા પ્રમાણમાં માલ લઈને બજારમાં આવી રહ્યા છે. વેપારીઓ ખેડૂતો પાસેથી માલ તો ખરીદી રહ્યા છે, પરંતુ આગળ નિકાસ ન થતી હોવાથી વેપારીઓ પાસે સ્ટોકનો ભરાવો થઈ ગયો છે. જો આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિ રહી, તો વેપારીઓ પાસે માલ રાખવાની જગ્યા પણ નહીં બચે.
જો નિકાસના માર્ગો જલ્દી નહીં ખુલે અને આવક આ જ રીતે ચાલુ રહેશે, તો બજારમાં 'સપ્લાય' વધી જશે અને તેની સામે 'ડિમાન્ડ' ઓછી હોવાથી મસાલા પાકોના ભાવમાં મોટો કડાકો બોલાઈ શકે છે. જો ભાવ ગગડશે તો મહેનત કરી રહેલા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતા છે.

