VIDEO: Mahisagar / લૂંટેરી દુલ્હને યુવક પાસેથી ₹2.50 લાખ ખંખેર્યા; આણું કરવાના બહાને છેતરપિંડી આચરી દુલ્હન ગાયબ
મહીસાગર જિલ્લામાં વધુ એક વાર 'લૂંટેરી દુલ્હન'નો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. લગ્નની લાલચ આપી ભોળા યુવકોને છેતરતી ટોળકીએ આ વખતે બાલાસિનોર તાલુકાના બાવલા ગામના એક યુવકને શિકાર બનાવ્યો છે. નકલી લગ્નવિધિ કરાવી યુવક પાસેથી અઢી લાખ રૂપિયા ખંખેરી લીધા બાદ દુલ્હન રહસ્યમય રીતે ફરાર થઈ ગઈ છે. આ મામલે બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, બાલાસિનોરના બાવલા ગામના યુવકને આરોપીઓએ એક યુવતી બતાવી લગ્નની વાત નક્કી કરી હતી. ત્યારબાદ એક મંદિરમાં સાદી ફૂલહારની વિધિ કરાવી લગ્ન સંપન્ન કરાવ્યા હોવાનો ડોળ કર્યો હતો. આ લગ્નના બદલામાં આરોપીઓએ યુવક પાસેથી કુલ ₹2,50,000 પડાવ્યા હતા. લગ્ન બાદ રેણુકા નામની આ યુવતી થોડા દિવસો સુધી યુવક સાથે તેના ઘરે રહી હતી.
લગ્નના થોડા દિવસો બાદ ટોળકીના અન્ય સભ્યો આણું કરવાના બહાને યુવકના ઘરે આવ્યા હતા અને રેણુકાને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે, ત્યારબાદ યુવતી પરત ફરી નહોતી. યુવકે પત્નીને તેડવા માટે વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામે પક્ષેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. અંતે પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે છેતરાયેલા યુવકે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ભાથીભાઈ, દશરથભાઈ, ગીતાબેન અને દુલ્હન રેણુકાનો સમાવેશ થાય છે.

