Mahisagarના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક; 12 લાખ સામે 34 લાખ વસૂલ્યા છતાં વધુ 40 લાખની કરી માંગણી

મહીસાગરના લુણાવાડામાં વ્યાજખોરોનો ભયાનક આતંક સામે આવ્યો છે. એક મધ્યમવર્ગીય ટિફિન સેવા આપતા સંચાલકને વ્યાજખોરોએ પોતાની જાળમાં એવી રીતે ફસાવ્યા કે 12 લાખની સામે 34 લાખથી વધુની રકમ વસૂલ્યા છતાં હજુ પણ મિલકત હડપવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. અંતે કંટાળીને પીડિતે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
લુણાવાડામાં રહીને ટિફિન સેવા પૂરી પાડતા શૈલેષકુમાર કાછીયાએ વર્ષ 2023માં પોતાના ધંધા અને ઘરના કામકાજ માટે પૈસાની જરૂર પડતા 'મા મહાકાલી ફાઇનાન્સ'ના સંચાલકોનો સંપર્ક કર્યો હતો. તેમણે પ્રશાંતકુમાર રાણા અને આકાશકુમાર રાણા પાસેથી 10 ટકાના ઉંચા વ્યાજે કુલ રૂપિયા 12.44 લાખ ઉધાર લીધા હતા. ફરિયાદી શૈલેષકુમારના જણાવ્યા અનુસાર, તેમણે અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે વ્યાજ અને મુદ્દલ પેટે કુલ રૂપિયા 34,58,736 જેવી માતબર રકમ ચૂકવી દીધી છે. આમ છતાં, વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નથી. આરોપીઓ હજુ પણ વધુ 40 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.
ઉપરાંત દુકાન ગીરો રાખવાના બહાને આરોપીઓએ વિશ્વાસમાં લઈ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાનો આક્ષેપ છે. જે બાદ દુકાન અને ચેક પરત માંગવા જતાં 90 લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની અને કોર્ટ કેસમાં ફસાવવાની ધમકી આપી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા શૈલેષકુમારે અંતે લુણાવાડા પોલીસ મથકે પ્રશાંતકુમાર રાણા અને આકાશકુમાર રાણા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

