VIDEO: કચ્છ ભાજપના ગઢમાં મસમોટું ગાબડું! જિલ્લા પ્રમુખના પોતાના ગામ રતનાલમાં જ ભગવો કરમાયો, કોંગ્રેસનો પંજો ભારે પડ્યો
VIDEO: ગુજરાત ભાજપના સૌથી મજબૂત ગઢ ગણાતા કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. જિલ્લા ભાજપ સંગઠનમાં લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સપાટી પર આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને અણધાર્યા પરાજયનો સામનો કરવો પડ્યો છે, જેને પગલે કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષની લાગણી જોવા મળી રહી છે.
જિલ્લા પ્રમુખના ઘરે જ હાર
સૌથી મોટો આંચકો જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદને લાગ્યો છે. તેમના પોતાના વતન અને ગઢ ગણાતા રતનાલ ગામમાં જ ભાજપનો પરાજય થયો છે અને કોંગ્રેસે વિજય મેળવ્યો છે. પ્રમુખ પોતાના ગામમાં જ પક્ષને જીતાડી ન શકતા તેમની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
વાસણ આહીરની અવગણનાની ચર્ચા
કચ્છના રાજકારણમાં આ હાર પાછળ પૂર્વ મંત્રી અને કદાવર નેતા વાસણભાઈ આહીરની અવગણનાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે, વાસણ આહીરને પક્ષના કાર્યક્રમો અને વ્યૂહરચનાથી દૂર રાખવાની રણનીતિ ભાજપને ભારે પડી છે. તેમના સમર્થકો અને પાયાના કાર્યકરોમાં આ મુદ્દે ભારે રોષ હતો, જેનું પરિણામ મતદાનમાં જોવા મળ્યું છે.
તાલુકા પંચાયત અને પાલિકામાં નબળો દેખાવ
કચ્છની 4 મહત્વની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે કબજો જમાવ્યો છે, જ્યારે અંજાર નગરપાલિકામાં પણ ભાજપનો દેખાવ અત્યંત નબળો રહ્યો છે. સત્તાધારી પક્ષ હોવા છતાં આ પ્રકારની હાર સંગઠનની નબળાઈ અને નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે.
રાજીનામાની માંગ સાથે વિરોધ
હારથી લાલચોળ થયેલા પાયાના કાર્યકરોએ હવે ખુલ્લેઆમ જિલ્લા પ્રમુખ દેવજી વરચંદ સામે મોરચો માંડ્યો છે. કાર્યકરોની માંગ છે કે હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમુખ તત્કાલ રાજીનામું આપે. જો આગામી દિવસોમાં હાઈકમાન્ડ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે, તો કચ્છ ભાજપમાં મોટું ગાબડું પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.

