VIDEO: Kutch / ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોનો ફિયાસ્કો, જાગૃત નાગરિકના સવાલોથી નેતાઓ ભાગ્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજમાં સત્તાધારી પક્ષ ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક રહીશોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું.
વોર્ડ નંબર 8 ના ભાજપના ઉમેદવારો મનુભા જાડેજા અને મનીષાબેન સોલંકી જ્યારે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા હતા, ત્યારે એક જાગૃત નાગરિકે તેમને અટકાવીને આકરા સવાલો પૂછ્યા હતા. નાગરિકે નેતાઓને જાહેરમાં સવાલ કર્યો હતો કે, "જ્યારે અકસ્માતમાં બે નિર્દોષ યુવકોના મોત થયા હતા, ત્યારે તમે ક્યાં હતા?
જાગૃત નાગરિક દ્વારા પૂછવામાં આવેલા આ સવાલોનો ભાજપના ઉમેદવારો પાસે કોઈ જવાબ નહોતો. લોકોનો મિજાજ પારખી ગયેલા ઉમેદવારો અને તેમની સાથે રહેલા કાર્યકરો મામલો બિચકે તે પહેલાં ત્યાંથી રવાના થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં આ ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં નેતાઓ વિરોધ વચ્ચે ઉતાવળે પ્રચાર આટોપીને જતા જોવા મળે છે.

