VIDEO: નડિયાદમાં મિશન રોડ પરના એફ.કે. ઓર્ચીડમાં ભીષણ આગ, બિલ્ડરની 'બેદરકારી' આવી સામે
VIDEO: નડિયાદ શહેરના પોશ ગણાતા મિશન રોડ પર આવેલ 'એફ.કે. ઓર્ચીડ' રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં આજે એક ભયાનક આગની ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થા અને બિલ્ડરની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત થતા રહી ગયો છે.
જાણો આખો મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, કોમ્પ્લેક્સના એક બંધ મકાનમાં લેપટોપ ચાર્જિંગમાં મૂકેલું હતું. આ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. બંધ મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવતા જ રહીશોમાં ફાળ પડી હતી અને તુરંત નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
બિલ્ડરની ગુનાહિત બેદરકારીનો ઘટસ્ફોટ
આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે, આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા જ નથી. એટલું જ નહીં, ફાયર વિભાગ દ્વારા આ કોમ્પ્લેક્સના બિલ્ડરને અગાઉ પણ અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં બિલ્ડરે કોઈ જ સુધારો કર્યો નહોતો.
તંત્ર સામે સવાલો
આ ઘટનાએ નડિયાદ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. જ્યારે કોઈ બિલ્ડિંગ પાસે ફાયર NOC ન હોય, ત્યારે તંત્ર દ્વારા તેના પર કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું પાલિકા કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે? રહીશો હવે માગ કરી રહ્યા છે કે આવા બેદરકાર બિલ્ડર સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે.

