VIDEO: ચાંદખેડા ડબલ મર્ડર કે મિસ્ટ્રી? ઢોંસા ખાધા બાદ બાળકીઓના મોતનો મામલો ગરમાયો, પિતાની 2 કલાક સઘન પૂછપરછ
VIDEO: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસા ખાધા બાદ બે સગી બહેનોનાં મોતના ચકચારી કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. હોસ્પિટલમાંથી રજા મળતા જ બાળકીઓના પિતા વિમલભાઈની ડીસીપી કક્ષાના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
પિતાનો 'ફૂડ પોઈઝનિંગ'નો દાવો
પૂછપરછ દરમિયાન પિતા વિમલભાઈએ પોતાની માસૂમ દીકરીઓની હત્યા કરી હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે પોલીસ સમક્ષ રટણ કર્યું છે કે, ખાવાની કોઈ વસ્તુમાં ઝેરી પદાર્થ આવ્યો હોવાને કારણે આ દુર્ઘટના બની છે. જોકે, પોલીસ આ દાવાને સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર નથી અને હત્યા કે અકસ્માત તે મુદ્દે હજુ પણ અવઢવમાં છે.
પરિવારના તમામ સભ્યો રડારમાં
માત્ર પિતા જ નહીં, હવે આખા પરિવારની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૃત બાળકીઓની માતા ભાવનાને હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે માતાનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઉપરાંત દાદા-દાદી અને ભાવનાના ભાઈ અને પિતા સહિત અન્ય સભ્યોને પણ તપાસમાં સામેલ કરાયા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં રહેતા બાળકીના કાકા અને ફોઈના પણ ઓનલાઈન માધ્યમથી નિવેદનો લેવામાં આવ્યા હતા.
FSL રિપોર્ટ પર ટકેલી મીટ
આ સમગ્ર મામલે અત્યારે સૌથી મહત્ત્વનો પુરાવો એફએસએલ રિપોર્ટ સાબિત થશે. બાળકીઓના શરીરમાં ઝેર કઈ રીતે પહોંચ્યું - ખોરાક દ્વારા કે અન્ય કોઈ રીતે - તે આ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ અત્યારે હત્યા અને ફૂડ પોઈઝનિંગ બંને પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.

