VIDEO: Kheda / ડાકોરમાં અંધેર તંત્ર; ભાડાના મકાનમાં રહેતા ગરીબ ફેરિયાને ઇન્કમટેક્સની ₹19.84 કરોડની નોટિસ
યાત્રાધામ ડાકોરમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ડાકોરના ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક ગરીબ અને અભણ ફેરિયાને ઇન્કમટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે. જે ફેરિયો માંડ બે ટંકનું ભોજન ભેગું કરી શકે છે, તેના નામે ₹19 કરોડથી વધુનો ટેક્સ આંકવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં સત્યનારાયણ મંદિર સામે ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશભાઈ ભૈયા નામના યુવકને પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક રજિસ્ટર્ડ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસના આંકડા જોઈને ભલભલા મોટા ઉદ્યોગપતિઓના પણ હોશ ઉડી જાય તેમ છે. વર્ષ 2021-22માં ₹11 કરોડ 86 લાખ, વર્ષ 2022-23માં ₹7 કરોડ 98 લાખ આમ કુલ ₹19 કરોડ 84 લાખની નોટિસ ફટકારવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે જે રજિસ્ટર્ડ કવરમાં આ નોટિસ આવી છે, તેના પર જ ₹5500ની સ્ટેમ્પ ટિકિટો લગાવેલી છે. ચિરાગ ભૈયા જે પોતે અભણ છે, તેણે જ્યારે આ નોટિસ અન્ય લોકોને બતાવી અને તેને અર્થ સમજાયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે હવે આ તંત્રની આ ભૂલ છે કે કોઈનું ષડયંત્ર, તે તો તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

