VIDEO: Kheda: ડાકોર નગરપાલિકાની બેધારી તલવાર; એકબાજુ સફાઈનો દેખાડો, તો બીજીબાજુ મહેકમના મુદ્દે કામદારોમાં ભારે આક્રોશ
યાત્રાધામ ડાકોરમાં ગઈકાલે રાત્રે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવેલા સફાઈ અભિયાને ભારે ચર્ચા જગાવી છે. નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ, પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ (રાધી) અને અન્ય સભ્યોએ રાત્રિના સમયે રસ્તા પર ઉતરી ઝાડુ હાથમાં લેતા નગરમાં કુતૂહલ સાથે ‘રાજકીય ડ્રામા’ જેવો માહોલ સર્જાયો હતો.
નગરપાલિકાની બોડીએ ડાકોર મંદિર પરિસર, બોડાણાના બાવલા અને સ્ટેશન રોડ વિસ્તારમાં સફાઈ આદરી હતી. જોકે, આ દરમિયાન નગરપાલિકાના સભ્યોએ ખુલ્લી દુકાનોના વેપારીઓને કડક ચેતવણી આપી હતી કે જો કચરો રોડ પર ફેંકવામાં આવશે, તો સીધો 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધી સફાઈ કામદારો કામ કરતા હતા ત્યારે ક્યારેય આવી કડકાઈ બતાવવામાં આવી નથી, તો અચાનક વેપારીઓ પર લગામ કેમ ખેંચવામાં આવી રહી છે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
એક તરફ પાલિકાના હોદ્દેદારો સફાઈના ફોટા પડાવી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામદારોનું કહેવું છે કે નગરપાલિકા અત્યારે ‘બેધારી તલવાર’ ચલાવી રહી છે. એકબાજુ સફાઈના નામે દેખાડો કરવામાં આવે છે અને બીજી બાજુ કામદારોના હક્કના ‘મહેકમ’ મુદ્દે તંત્ર પીછેહઠ કરી રહ્યું છે. સફાઈ કામદારોના કાયમી થવા અને મહેકમ મળવા બાબતે પ્રમુખ વિપુલ શાહે ગણગણાટ કરતા જણાવ્યું હતું કે, મહેકમ 45% હોય તો જ મળે, જ્યારે અત્યારે તે 65% હોવાથી મળવાપાત્ર નથી. આ દાવા સામે સફાઈ કામદારોએ આકડાકીય વિગતો સાથે વળતો પ્રહાર કર્યો છે. કામદારોના જણાવ્યા મુજબ વર્ષ 2018માં મહેકમ માત્ર 32% જ હતું, છતાં તે સમયે પણ તેમને હક્ક આપવામાં આવ્યો નહોતો. કામદારોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર બહાના બનાવીને તેમને અન્યાય કરી રહ્યું છે.
ગઈકાલની આ સફાઈ ઝુંબેશ જોઈને લોકોમાં એવી પણ ચર્ચા જાગી હતી કે, ભાજપના શાસકોના હાથમાં ઝાડુ જોઈને એવું લાગતું હતું જાણે ‘આમ આદમી પાર્ટી’ સફાઈ કરી રહી હોય. નગરમાં આ સફાઈ અભિયાન ઓછું અને ‘બહુરૂપી’ દેખાવ વધુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

