Kheda news: કપડવંજ-ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવક-યુવતીનું મોત

Kheda news: ખેડા જિલ્લામાં રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કપડવંજ-ડાકોર રોડ પર સિકંદર પોયડા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બાઈક પર સવાર એક યુવક અને એક યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના કપડવંજ-ડાકોર હાઈવે પરથી પસાર થઈ રહેલા એક આઈસર ચાલકે બાઈક સવાર યુવક-યુવતીને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કુરચો બોલી ગયો હતો અને બાઈક સવાર બંને યુવક-યુવતી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઈજાઓ એટલી જીવલેણ હતી કે બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકોના શબને પીએમ (Post-Mortem) માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ બાઈકના નંબર અને અન્ય દસ્તાવેજોના આધારે તેઓ ક્યાંના વતની છે અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ કરી રહી છે. રવિવારની રજામાં મોતના આ સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

