VIDEO: મહુધામાં ચાંદીપુરા વાઇરસે દસ્તક દીધી, 9 વર્ષીય બાળકી સંક્રમિત થતાં આરોગ્ય વિભાગમાં મચી દોડધામ
ખેડા જિલ્લામાં કપડવંજ, કઠલાલ બાદ હવે મહુધામાં ચાંદીપુરા વાઇરસે દસ્તક દીધી છે. મહુધા તાલુકાના બગડુ ગામના હર્ષદપુરા વિસ્તારમાં રહેતા એસ.ટી. ડ્રાઈવરના 9 વર્ષીય બાળકીમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બાળકને તબિયત લથડતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ચાંદીપુરા વાઇરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે.
હર્ષદપુરા વિસ્તારમાં ઘરે-ઘરે સર્વે હાથ ધરાયો
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બગડુ ગામના હર્ષદપુરા વિસ્તારમાં ઘરે-ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમજ આસપાસના વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. સંભવિત સંક્રમણને અટકાવવા માટે જરૂરી આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, બાળકોમાં તાવ, ઊલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

