Kheda: અરવલ્લી જેવી જ સ્થિતિ ઠાસરામાં, મહીસાગર નદીનું વહેણ રોકીને થાય છે બેફામ ખનીજ ચોરી
ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો હાલ ભુ-માફિયાઓના અડ્ડા સમાન બની રહ્યો છે. જે રીતે અરવલ્લીની ગિરિમાળાઓમાં અવિરત ખનનથી પર્યા
ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો હાલ ભુ-માફિયાઓના અડ્ડા સમાન બની રહ્યો છે. જે રીતે અરવલ્લીની ગિરિમાળાઓમાં અવિરત ખનનથી પર્યાવરણીય અસંતુલન સર્જાયું છે અને જન-આંદોલનો ફાટી નીકળ્યા છે, તેવી જ ભયાનક સ્થિતિ હાલ ઠાસરાના અકલાચા વિસ્તારમાં મહીસાગરના પટમાં જોવા મળી રહી છે.
મહીસાગર નદી, જે લાખો લોકોની જીવાદોરી છે, તેના વહેણને રોકીને ભુ-માફિયાઓ અને ક્વોરી ધારકોએ પોતાની મનમાની શરૂ કરી છે. ખનીજ ચોરી કરવાના આશયથી નદીના પટમાં ગેરકાયદેસર રીતે પાળા અને પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષ પહેલાં પણ આ જ સ્થળે ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો, જેને ખાણ-ખનીજ વિભાગે તોડી પાડ્યો હતો. પરંતુ આજે ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે. ફરીથી બનાવવામાં આવેલા આ પુલનો ઉપયોગ વડોદરા અને સાવલી તરફ ખનીજની ચોરી કરવા માટે કરવામાં આવે છે. મહીસાગરના પટ પર માફિયાઓએ પોતાની કેબિનો પણ ગોઠવી દીધી છે. એક તરફ પર્યાવરણ સાથે ચેડાં થઈ રહ્યાં છે અને બીજી તરફ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે હવે સવાલ ઉઠી રહ્યો છે કે, શું ખાણ-ખનીજ અધિકારીઓને આ બાબત ધ્યાને નહીં હોય કે પછી ખનિજ માફિયાઓ સાથે વ્યવહાર ચાલી રહ્યો છે, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.




